
પાલનપુરઃ બનાસકાંઠામાં એરંડાના પાકમાં ઈયળોના ઉપદ્રવને કારણે ખેડુતો પરેશાન બન્યા છે, સૌથી વધુ વાવ તાલુકામાં એરંડાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે. વાવના કેટલાક ગામડાઓમાં ખેડૂતોના ખેતરોમાં ચોમાસામાં વાવેલાં એરંડાના પાકમાં મોટા પ્રમાણમાં ઈયળો પડતા ખેડૂતોને મોટી સમસ્યા ઊભી થઈ છે. તેમજ ખેડૂતોની મહેનત નિષ્ફળ જાય તેવી ચિંતા સતાવી રહી છે. ત્યારે સરકાર પાસે ખેડૂતો આજીજી કરી રહ્યા છે કે, તાત્કાલિક સરકાર એરંડામાં દવા છંટકાવ કરવા માટે કંઈક વ્યવસ્થા ઉભી કરે તેવી માંગ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠામાં આ વખતે સારા વરસાદને કારણે ખરીફ પાકનું સારૂ વળતર મળશે તેવી ખેડુતોને આશા છે, ત્યારે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં એરંડાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ ખેડુતોને સતાવી રહ્યો છે. વાવનાં ધરાધરા, મોરિખા અને ડોડગામ ગામની સીમમાં ચોમાસામાં વાવેલાં એરંડાના પાકમાં મોટા પ્રમાણમાં ઈયળો પડતાં ખેડૂતો પર વધુ એક સંકટ જોવા મળ્યું છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, એક બાજુ વધુ વરસાદના કારણે ખેડૂતો પૂરતા પ્રમાણમાં વાવણી કરી શક્યા નથી. ત્યાં જ્યાં એરંડાના પાકની વાવણી થઈ હતી. ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી મોટા પ્રમાણમાં ઈયળો પડતાં એરંડાનો પાક નષ્ટ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
બનાસકાંઠામાં ખેડૂતો માટે નવુંને નવું સંકટ આવે છે. ત્યારે બહુ મોટા પ્રમાણમાં ઈયળો પડતા પાક નષ્ટ જવાના આરે છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોનો પાક બચાવવા માટે તંત્ર ગામડાંઓની મુલાકાત લઈ એરંડાનાં પાક માટે કંઈ વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે. જો તંત્ર સહાયતા નહીં કરે તો આવનારા સમયમાં ઈયળો પાકનો નાશ કરી ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેશે તેની ખેડૂતોને સતત ચિંતા સેવાઈ રહી છે.