
રાજકોટમાં પશુપાલકોએ પોતાના ઢોરનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે, નહીં તો ગુનો નોંધાશે
રાજકોટઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી જતાં હવે પોલીસ પણ એકશનમોડમાં જોવા મળી રહી છે. ટ્રાફિકને અડચણરૂપ બનાતા રખડતા ઝોરને પકડવા માટે મ્યુનિ.ની ઝૂંબેશને પોલીસ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. એટલે શહેરમાં વસવાટ કરતા પશુપાલકોએ તેમના ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે.
રાજકોટ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા હવે પોલીસ પણ મેદાને આવી છે. અને આ મુદ્દે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ શહેરના પશુ પાલકોએ પોતાના પશુઓનું ફરજિયાત રજીસ્ટ્રેશન અને ટેગિંગ કરાવવાનું રહેશે. ઉપરાંત પશુના વેચાણ, ગીરો, બક્ષિસ કે વારસાઈ રૂપે પણ જો માલીકી હક્ક બદલાઈ તો તેની જાણ મહાનગરપાલિકાને કરવાની રહેશે. સાથે જ પશુના મરણની પણ જાણકારી મહાનગરપાલિકાને આપવી પડશે.આ જાહેરનામું આગામી 12 ડિસેમ્બરથી લાગુ પડશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવ્યા મુજબ, રાજકોટના પશુ પાલકોને દિવસ 60માં પોતાની માલિકીના તમામ પશુઓને રાજકોટ મહાનગરપાલિકા પાસે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સાથે જ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવતા ટેગિંગ પણ કરાવી લેવાનું રહેશે. આ પ્રકારે રજીસ્ટ્રેશન અને ટેગિંગ વગરના પશુઓને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એનિમલ હોસ્ટેલમાં મોકલી આપવામાં આવશે.
મહત્વની વાત છે કે, ગુજરાતમાં રખડતાં ઢોરના ત્રાસને કારણે રસ્તા પર પસાર થતા પર જોખમ સર્જાતા રહ્યાં છે. કેટલાક કિસ્સામાં તો લોકોએ જીવ પણ ગુમાવ્યા છે અને ઈજાગ્રસ્ત પણ થયા છે. આ મામલે સરકારે અને તંત્રએ ત્યારે ગંભીરતા દાખવી હતી જ્યારે ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મામલે આકરું વલણ દાખવ્યું હતું. ત્યારે પશુઓના ટેગિંગ અને રજીસ્ટ્રેશન મામલે રાજકોટ પોલીસ કમિશનરના આ પગલાને શહેરીજનો વધાવી રહ્યાં છે.