- CBSE દ્વારા ધો.10 અને ધો.12માં કુલ મળીને 206 વિષયોની પરીક્ષા લેવાશે,
- ધોરણ 10માં વિદ્યાર્થીઓ બે વાર પરીક્ષા આપી શકશે,
- પરીક્ષાના પરિણામો મે 2026ના બીજા અઠવાડિયામાં જાહેર થશે.
અમદાવાદઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જે મુજબ ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ 17મી ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ 15 જુલાઇ દરમિયાન લેવામાં આવશે. ધો.12ની પરીક્ષાઓ પણ 17 ફેબ્રુઆરીથી લેવામાં આવશે. આ વર્ષે પણ મોટા ભાગના વિષયોની પરીક્ષા એક જ તબક્કામાં સવારે 10:30 વાગ્યે યોજાશે. કુલ 204 વિષયોની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ભારત અને અન્ય 26 દેશોમાં લેવાશે અને. આ પરીક્ષાના પરિણામો મે 2026ના બીજા અઠવાડિયામાં જાહેર કરાશે.
સીબીએસઈ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ધોરણ 10ની પરીક્ષા 17 ફેબ્રુઆારીથી શરૂ થશે. અને તા. 18મી માર્ચ સુધી ચાલનારી પરીક્ષાના એડમિસ્ટ કાર્ડ વિદ્યાર્થીઓને જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયે ઓનલાઈન મળશે. જ્યારે પ્રાયોગિક પરીક્ષા આગામી જાન્યુઆરી માસ સુધી લેવાશે. જ્યારે કેટલાક વિષયોની પરીક્ષાનો સમય સવારના 10.30થી બપોરના 12.30 સુધીનો રહેશે. CBSE તરફથી જાહેર કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ની મુખ્ય પરીક્ષાઓ, સ્પોર્ટ્સ વિદ્યાર્થી (ધોરણ 12) માટે વિશેષ પરીક્ષાઓ, ધોરણ 10ની દ્વિતીય બોર્ડ પરીક્ષા અને ધોરણ 12ની પૂરક પરીક્ષાઓ સામેલ છે. બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મુખ્ય પરીક્ષાઓની સાથે સાથે પ્રાયોગિક કાર્ય, મૂલ્યાંકન, ઉત્તર પુસ્તિકાઓની તપાસ અને પરિણામ પ્રક્રિયા પણ સમયસર પૂરી કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓના પરિણામમાં નિયત સમયમાં જાહેર કરી શકાશે.
CBSE દ્વારા પરીક્ષાનું ટાઈમટેબલ 2025માં ધોરણ 9 અને 11ના રજિસ્ટ્રેશન ડેટા આધાર પર તૈયાર કર્યું છે. બોર્ડનું કહેવું છે કે તેનાથી પરીક્ષાર્થીઓને પર્યાપ્ત સમય મળશે અને તેઓ પરીક્ષા માટે પોતાની તૈયારીઓ વ્યવસ્થિત રીતે કરી શકે અને અધ્યયનમાં શિસ્ત રાખી શકે તે હેતુ છે. આ પરીક્ષા બાદ અંદાજે 10 થી 12 દિવસ ઉત્તરવહીઓનું મૂલ્યાંકન પૂર્ણ કરાશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ના 10મા ધોરણના વિદ્યાર્થીઓ 2026થી વર્ષમાં બે વાર પરીક્ષા આપી શકશે. આ બીજી વખતની પરીક્ષા ટેન્ટેટીવ તા.15 મે, 2026થી આરંભાશે અને 1 જૂન, 2026 સુધી લેવામાં આવશે. તેમાં પણ તમામ પરીક્ષાઓ સવારના 10.30થી બપોરના 1.30 દરમિયાન લેવામાં આવશે. પહેલી પરીક્ષા બધા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહેશે અને બીજી પરીક્ષા વૈકલ્પિક રહેશે. બીજી પરીક્ષા એટલે કે વૈકલ્પિક પરીક્ષામાં, વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાંથી કોઈપણ 3 વિષયોમાં તેમનું પ્રદર્શન સુધારવાની મંજૂરી આપવામાં આવશે.