Site icon Revoi.in

સૌરાષ્ટ્ર ઝોનની શાળાઓ માટેની ફી નિયમન સમિતિના ચેરમેનની નિયુક્તિ કરાઈ

Social Share

રાજકોટઃ  સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેન તરીકે તાપી-વ્યારાના રિટાયર્ડ પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ નરેન્દ્રભાઈ પિઠવાની નિયુક્તિ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતીના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી હતી. તેના લીધે 650 જેટલી ખાનગી શાળાઓમાં ફીમું ધોરણ નક્કી થઈ શકતું નહતું. હવે નવા ચેરમેનની નિયુક્તિ થતાં સ્કૂલ સંચાલકો અને વાલીઓને પણ રાહત થશે. સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 5000માંથી હવે બાકી રહેલી 650 જેટલી શાળાઓની ફી નક્કી કરવાની કામગીરી આગળ વધશે.

સૌરાષ્ટ્ર ઝોનની ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે ફીનું ધોરણ એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. ફી નિર્ધારણ કમિટી દ્વારા રાજકોટ સહિત જામનગર, દેવભૂમી-દ્વારકા, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ 11 જિલ્લાઓની 5000 જેટલી ખાનગી સ્કૂલોની ફી નિર્ધારિત કરવાની હોય છે. જ્યા શાળાઓની સુવિધા અને સ્ટ્રક્ચર પરથી ત્રણ વર્ષ માટે 10 ટકાનો વધારો મળતો હોય છે પરંતુ, ગત તા.31મી જાન્યુઆરી, 2025ના રોજ સૌરાષ્ટ્ર ઝોનની FRCના ચેરમેન પી.વી. અગ્રાવતે રાજીનામુ આપી દેતા 650 જેટલી શાળાઓની ફી નિર્ધારિત કરવાની કામગીરી ટલ્લે ચડી હતી. જેના કારણે 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓને અસર થઈ હતી.

સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ કમિટીના ચેરમેન ખાલી જગ્યા ભરવા માટે  વિદ્યાર્થી સંગઠનો દ્વારા અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. એક અઠવાડિયા પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા એવા રોહિત રાજપૂતની આગેવાનીમાં FRC કમિટીનુ બેસણું યોજી પ્રતિકાત્મક વિરોધ કરાયો હતો. અનેક વિરોધ અને રજુઆતો બાદ આખરે રાજ્ય સરકાર દ્વારા નિવૃત જજ નરેન્દ્ર પીઠવાને આગામી મુદત તા.28મી જુલાઈ, 2027 સુધી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. જેથી હવે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બાકી રહેલી ખાનગી શાળાઓની ફી નિર્ધારિત કરી શકાશે.

ગુજરાતના ચારેય ઝોનની એફઆરસીના સભ્યોની  ગાંધીનગરમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં એક રિવ્યૂ બેઠક રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા એમ 4 ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેન સહિતનાં સભ્યો ઉપસ્થિત રહેશે અને જે તે ઝોનમાં કેટલી ખાનગી શાળાઓની ફી નક્કી કરવામાં આવી અને કેટલી શાળાઓની ફી નક્કી કરવાની બાકી છે તે અંગે ચર્ચા કરવામાં આવશે.

 

Exit mobile version