Site icon Revoi.in

ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ, અંબાજી, ચોટિલા અને પાવાગઢમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

Social Share

અમદાવાદઃ આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે.ચેત્રી નવરાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજી, ચોટિલા અને પાવાગઢ સહિત માઈ મંદિરોમાં આજે સવારથી મોટી સંખાયામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા છે. શ્રદ્ધાળુઓને માતાજીના દર્શન અને આરતીનો લાભ મળે તે માટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

માતાજીના આરાધનના પર્વ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે પાવાગઢ, અંબાજી અને ચોટીલાનાં મંદિરમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં એક નોરતું ઓછું હોવાથી નવરાત્રિ 30 માર્ચથી 6 એપ્રિલ સુધીની રહેશે. શાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રીનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં ચૈત્રી નવરાત્રીવે વધુ ફળદાયી માનવામાં આવી છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન દેવીશક્તિની ઉપાસના,અનુષ્ઠાન કરવામાં આવે છે.

યાત્રાધામ અંબાજીમાં આરતી સવારે 7થી 7.30, દર્શન સવારે 7.30થી 11.30 સુધી, ત્યારબાદ દર્શન બપોરે 12.30થી  સાંજના 4.30 વાગ્યા સુધી, આરતી સાંજે 7થી 7.30 અને ત્યારબાદ દર્શન 7.30થી રાતના 9 વાગ્યા સુધી કરી શકાશે. જ્યારે પાવાગઢમાં મંદિર ખોલવાનો સમય સવારે 5 વાગ્યે અને મંદિર બંધ કરવાનો સમય રાતના 8 વાગ્યા સુધીનો રહેશે. એકમ. આઠમ અને નોમના દિવસે મંદિર સવારે 4 વાગ્યે ખૂલશે. તેમજ ચામુંડા માતાજીના મંદિરમાં પગથિયાના દ્વાર ખોલવાનો સમય સવારે 5.30 રહેશે, સંધ્યા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે,

ઉલ્લેખનીય છે કે 31 માર્ચે બીજું અને ત્રીજું નોરતું ભેગું છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં આવેલી ત્રણેય શક્તિપીઠ પર દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. આ વર્ષે પાવાગઢમાં 10 લાખ, અંબાજીમાં 3 લાખ અને ચોટીલામાં અઢી લાખ ભક્તો દર્શનાર્થે ઊમટવાની શક્યતા છે. એને લઇ યાત્રાળુઓની સગવડતા અને ભક્તોની સુવિધા માટે મંદિરનાં દર્શન અને આરતીના સમયમાં ફેરફારો કરવામાં આવ્યા છે. પાવાગઢમાં નવરાત્રીને લઈને માચી સુધી ખાનગી વાહનો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ભાવિકો દર્શન કરી શકે તે માટે તળેટી ખાતે આવેલા બસ સ્ટેશનની માંચી સુધી એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પાવાગઢ તળેટી વિસ્તારમાં આવેલા બસ સ્ટેશનથી માંચી સુધી 50 જેટલી બસો દોડાવાશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિકોને કોઈ અગવડ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. (File photo)