દિલ્હી-NCRમાં આજે પણ વરસાદની શક્યતા,આવતીકાલથી વધશે તાપમાન
- દિલ્હી-NCRમાં આજે પણ વરસાદની શક્યતા
- આવતીકાલથી તાપમાન વધવાનું શરૂ થશે
- કપાળ પરથી પરસેવો ટપકશે
દિલ્હી :જૂન મહિનાની શરૂઆત થઇ ચુકી છે. રાજધાની દિલ્હી-એનસીઆરમાં મે બાદ જૂન મહિનાની શરૂઆત પણ રાહત આપનારી રહી છે. કેટલાક દિવસોથી ભારે પવન અને વરસાદને કારણે ગુરુવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું નોંધાયું હતું. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 16-17 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.
હવામાન વિભાગે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને 2 જૂને પણ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જો કે આ પછી 3 જૂનથી આકાશ સાફ થવા લાગશે અને તાપમાનમાં પણ વધારો થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી સેલ્સિયસ પર સામાન્ય કરતાં સાત ડિગ્રી ઓછું હતું અને લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી સેલ્સિયસ પર સામાન્ય કરતાં છ ડિગ્રી ઓછું હતું. રિજમાં મહત્તમ તાપમાન 32.5 અને લઘુત્તમ તાપમાન 16.7 ડિગ્રી સેલ્સિયસ હતું. ડીયુ કેન્દ્રમાં મહત્તમ તાપમાન 29.4 અને લઘુત્તમ 17.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
વરસાદ અને વાવાઝોડાને કારણે 6 જૂન સુધી તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જવાની શક્યતા નથી. 7 જૂનથી તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાનો અંદાજ છે. 3 જૂન પછી વરસાદની કોઈ શક્યતા નથી. મે મહિનામાં માત્ર એક-બે દિવસે તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું હતું. 26 મેથી મહત્તમ તાપમાન 32-35 ડિગ્રી રહ્યું હતું.