
ચંડીગઢ એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ કરાયું,પંજાબ અને હરિયાણા સરકારનો મોટો નિર્ણય
- પંજાબ અને હરિયાણા સરકારનો મોટો નિર્ણય
- ચંડીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલ્યું
- નામને લઈને હતું કન્ફયુઝન
- 2015 માં પીએમ મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન
ચંડીગઢ : પંજાબ અને હરિયાણા સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.ચંડીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટ હવે શહીદ ભગતસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે. હરિયાણા અને પંજાબ સરકાર વચ્ચે એરપોર્ટનું નામ બદલવા માટે સમજૂતી થઈ છે. શરૂઆતથી જ એરપોર્ટનું નામ શહીદ ભગતસિંહ રાખવાની ચર્ચા ચાલી રહી હતી.જેના પર હવે મહોર લાગી છે.
પંજાબના સીએમ ભગવંત માન અને હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ ચંડીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલવા પર બેઠક યોજી હતી.આ બેઠકમાં બંને પક્ષો એરપોર્ટનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવા પર સહમત થયા હતા.હવેથી ચંડીગઢનું ઈન્ટરનેશનલ એરપોર્ટ શહીદ ભગતસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે.જ્યારથી ચંડીગઢ એરપોર્ટ બન્યું છે ત્યારથી તેના નામને લઈને શંકા હતી જે હવે સમાપ્ત થઈ ગઈ છે.
વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંડીગઢના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટને બે માળનું બનાવવામાં આવ્યું છે.પ્રથમ માળે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અને બીજા માળે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે ટર્મિનલ છે.એરપોર્ટ પર 48 ટિકિટ કાઉન્ટર અને 10 ઈમિગ્રેશન કાઉન્ટર છે.