ગાંધીનગરઃ ગુજરાતમાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. જ્યારે પશુઓ માટેના ખાણદાણમાં પણ ભેળસેળ કરવામાં આવી રહી છે. કપાસિયાના ખોળમાં લાકડાંનો વેર, બેન્ટોનાઈટ માટી, જુદા જુદા કેમિકલો, સડી ગયેલું અનાજ વગેરેની ભેળસેળ કરવામાં આવતી રહ્યાની ફરિયાદો ઊઠી છે. આ ભેળસેળયુક્ત કપાસિયાના ખોળથી પશુઓના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. ત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પશુદાણમાં ભેળસેળ કરનારા સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાતમાં પશુઓના ખાણદાણમાં બેરોકટોક ભેળસેળ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલરો તેમજ ઉત્પાદકો દ્વારા જુદા જુદા કેમિકલો, બેન્ટોનાઈટ માટી, લાકડાનો વેર, અખાદ્ય અનાજ જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવી રહ્યાની ફરિયાદો ઊઠી છે. આવા ઓઇલ મિલરો અને વેપારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં આ ભેળસેળયુક્ત ખાણદાણ સસ્તા ભાવે વેચાણ કરતા હોવાથી સાચા ખાણદાણ ઉત્પાદક વેપારીઓને નુકસાન થાય છે. આવા ભેળસેળયુક્ત ખાણદાણના કારણે પશુઓમાં રોગચાળો, પશુ દૂધમાં આવા ઝેરી તત્વ ભળતા માનવીના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. જેનાથી કેન્સર જેવા ભયાનક રોગ થાય છે, ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશન, ગ્રાહક સુરક્ષા અને કિસાન સંઘ દ્વારા ભેળસેળિયા તત્વો સામે પગલાં લેવાની રજૂઆત મળી છે. આ પ્રશ્નને ગંભીરતાથી લઇને રાજ્ય સરકારે પૂરવઠા અને પોલીસ વિભાગ, વિવિધ એસોસીએશન સહિત તમામને સાથે લઇને ભેળસેળયુક્ત પશુદાણ બનાવતા ઉત્પાદકો સામે દરોડો પાડીને ફોજદારી સુધીની કડક કાર્યવાહી કરીને પશુઓ અને પશુપાલકોના હિતમાં આ ભેળસેળની પ્રક્રિયા સદંતર બંધ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.