Site icon Revoi.in

મુખ્યમંત્રીએ ઐતિહાસિક વડનગરમાં અદ્યતન વિકાસ પ્રોજેક્ટના ચાલતા કામોનું નિરીક્ષણ કર્યું

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગરમાં રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સની કામગીરી પ્રગતિનું નિરીક્ષણ સ્થળ મુલાકાત લઈને કર્યું હતું.

વડનગરના રેલ્વે સ્ટેશન સામે નિર્માણ થઈ રહેલા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે તે માટે રેલ્વે અને રાજ્ય સરકારના ટુરીઝમ ડિપાર્ટમેન્ટ વચ્ચે આ પ્રોજેક્ટના યોગ્ય કો-ઓર્ડીનેશન અને ઈન્ટીગ્રેશન માટે મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પગલે પુરાતત્વિય અને ઐતિહાસિક નગરી વડનગરનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. જેને પગલે મુસાફરો અને યાત્રિકો માટે પર્યટનની સુવિધાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી વડનગર રેલવે સ્ટેશનથી શહેરના મુખ્ય જોવાલાયક સ્થળો સાથે જોડતું મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ અને પબ્લિક પ્લાઝાનું  અંદાજે રૂ. 17 કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પાર્કિંગ, વિશ્રામ એરિયા, કાફે ટેરિયા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તેમજ સમગ્ર પરિસરમાં બે હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે તેનું પણ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું.

સ્વદેશ દર્શન યોજના અન્વયે હેરિટેજ સર્કિટમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક અને આસપાસના તળાવો, લટેરી વાવ, અંબાજી કોઠા તળાવ, રેલવે સ્ટેશન, ફોર્ટવોલ વગેરેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ હબની હાથ ધરાઈ રહેલી કામગીરીની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કરીને ગુણવત્તા જાળવણી માટેના જરૂરી સૂચનો કર્યા હતા.

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવાઈ રહેલા આ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટટેશન હબની મુખ્યમંત્રીએ મુલાકાત લઇ કામગીરી નિરીક્ષણ કર્યું તે વેળાએ પ્રવાસન સચિવ  ડૉ. રાજેન્દ્ર કુમારે તેમને પ્રોજેક્ટની પ્રગતિની સંપૂર્ણ વિગતોથી માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય  કે. કે. પટેલ, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, પ્રવાસન કમિશ્નર  પ્રભવ જોષી, પવિત્ર યાત્રા વિકાસ બોર્ડના સચિવ  રમેશ મેરજા, જિલ્લા કલેકટર  એસ. કે. પ્રજાપતિ ,જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જસ્મીન અને પ્રવાસન વિભાગના અધિકારીઓ તેમજ ઉપસ્થિત રહ્યા હતા.