Site icon Revoi.in

ઘૂળેટીમાં બાળકો મોદી-યોગી પિચકારીથી મનાવશે રંગોત્સવ

Social Share

અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે બજારમાં આ વખતે ધૂળેટીમાં રંગોત્સવ માટે અવનવી પિચકારીઓ વેચાણ માટે જોવા મળી રહી છે. જેમાં મ્યુઝિક પિચકારીઓ,તેમજ નરેન્દ્ર મોદી, ભાજપ, યોગી આદિત્યનાથ અને મહાકુંભનો મેળો પ્રતીકવાળી પિચકારીઓ વેચાઈ રહી છે.

હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન રંગ અને વિવિધ પ્રકારની પિચકારીનું ખૂબ મહત્વ જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોથી હોળી અને ધૂળેટીના પર્વમાં અવનવી પિચકારી બજારમાં આવતી હોય છે. જેમાં કેટલીક પિચકારી મ્યુઝિક સાથે જોવા મળતી હોય છે. આ વર્ષે પ્રથમ વખત પિચકારીમાં પણ નરેન્દ્ર મોદી, ભાજપ, યોગી આદિત્યનાથ અને મહાકુંભનો મેળો પ્રતીક બની રહ્યા છે. આ વર્ષે પિચકારીમાં પ્રથમ વખત કોઈ રાજકીય પક્ષ સાથે તેમનું ચૂંટણી ચિન્હ અને વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીના ફોટો સાથેની પિચકારી બજારમાં આવી છે. જેને જોઈને ગ્રાહકો પણ એકદમ આકર્ષિત થઈ રહ્યા છે. આ પ્રકારે કોઈ રાજકીય પાર્ટી અને નેતાની સાથે વડાપ્રધાનનો ફોટો હોય તેવી પિચકારીએ હવે ધૂળેટીના દિવસોમાં ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે.

આ સિવાય તાજેતરમાં જ પૂર્ણ થયેલા મહાકુંભને ધ્યાને રાખીને પણ ખાસ ત્રિશૂળ અને ડમરુવાળી પિચકારીનું પણ બજારમાં આગમન થયું છે. જે પણ લોકોની પસંદ બની રહ્યું છે. આ ઉપરાંત પુષ્પા 2 ફિલ્મ પરથી હથોડા અને કુહાડી આકારની પિચકારી પણ આ વર્ષે બજારમાં આવી છે. જે પાત્રો અને ચલચિત્રોની કહાની લોકોમાં ચર્ચાસ્પદ બની હોય તેવા પાત્રો તહેવારમાં ટ્રેન્ડમાં હોય છે.

આ વર્ષે હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન પિચકારી અને કલરના ભાવમાં 20 થી 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે 200 રૂપિયા કિલો ઓર્ગેનિક કલર, જે ખાસ રાજસ્થાનથી મંગાવવામાં આવે છે. આ કલરની બનાવટમાં તપકીરના લોટનો ઉપયોગ થાય છે. સાથે જ અલગ અલગ આકાર, ડિઝાઇન અને સાઈઝની પિચકારીના ભાવમાં આ વખતે 20 થી 40 ટકાનો વધારો થયો છે.