Site icon Revoi.in

રાજકોટ શહેરમાં ફરજિયાત હેલ્મેટના કાયદા સામે નાગરિકોએ પ્લેકાર્ડ દર્શાવીને કર્યો વિરોધ

Social Share

રાજકોટઃ શહેરમાં 8મી સપ્ટેમ્બરને સોમવારથી દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટના કાયદાનો ફરજિયાતપણે પાલનનો આદેશ કરાયો છે. ત્યારે શહેરીજનોમાં ફરજિયાત હેલ્મેટના નિયમ સામે નારાજગી ઊભી થઈ છે. શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે ‘હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ’ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સમિતિનાં સભ્યો દ્વારા જણાવાયું છે કે, આ નિર્ણય તઘલખી છે, સરકાર લોકોને હેરાન કરવા અને દંડ ઉઘરાવવા માટે આ પ્રકારના નિયમો લાદી રહી છે. સમિતિના સભ્યોએ પ્લેકાર્ડ દર્શાવીને ફરજિયાત હેલ્મેટના નિયમ સામે વિરોધ કર્યો હતો.

‘હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ’ દ્વારા આગામી 8 સપ્ટેમ્બરે રાત્રે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જો સરકાર આ નિર્ણય પરત નહીં ખેંચે તો આગામી સમયમાં સવિનય કાનૂન ભંગ સહિતનાં કાર્યક્રમો આપી આંદોલન કરવામાં આવશે.  સમિતિનાં હર્ષિલ શાહે જણાવ્યું કે, ભારતમાં નાગરિકોને શું પહેરવું અને શું ન પહેરવું તે નક્કી કરવાનો અધિકાર છે. હેલ્મેટ પહેરવું કે ન પહેરવું તે માટે વ્યક્તિની પોતાની મરજી પર આધાર રાખવો જોઈએ. સરકાર દ્વારા આ પ્રકારનું ફરજિયાતપણું કંપનીઓને ફાયદો કરાવવાનો એક પ્રયાસ છે. સરકારનું મુખ્ય કામ લોકોને સારી સુવિધાઓ પૂરી પાડવાનું છે, જેમાં સુચારુ ટ્રાફિક વ્યવસ્થા અને સારા રસ્તાઓનો સમાવેશ થાય છે. પરંતુ, આ મૂળભૂત ફરજો પૂરી કરવાને બદલે, સરકાર દંડ ઉઘરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

તેમણે કહ્યુ હતું કે,  રાજકોટ શહેરની મોટાભાગની પ્રજા નથી ઈચ્છતી કે હેલ્મેટ ફરજિયાત બને. હાલમાં 2000 થી વધુ નાગરિકો આ સમિતિ સાથે જોડાયેલા છે, અને આગામી દિવસોમાં સંખ્યામાં મોટો વધારો થવાની શક્યતા છે. તાજેતરમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે અને ભાજપનાં લીગલ સેલે પણ આ મુદ્દે રજુઆત કરી છે. ત્યારે આગામી સમયમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અમારી સાથે આવશે તેવો અમને વિશ્વાસ છે.