Site icon Revoi.in

આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પૂત્રના પરિવારજનોને CMએ સાંત્વના પાઠવી

Social Share

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે. તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક સંતપ્ત પરિવારજનોને ઘરે જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.

મુખ્યમંત્રીની સાથે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા,  ભીખાભાઈ બારૈયા,  ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર ડૉ. મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી  હનુલ ચૌધરી, રેન્જ આઇ.જી  ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.