અમદાવાદઃ રાજ્યમાં કડકડતી ઠંડીને લીધે જનજીવન પર તેની વિપરિત અસર પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ઠંડીમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. મોટાભાગના જિલ્લાઓમાં રવિવારનું તાપમાન 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. અમદાવાદમાં રવિવારે લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી જયારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જેમાં નલિયામાં સૌથી ઓછુ 5.4 તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડીમાં લોકોના જનજીવન પર વિપરિત અસર પડી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની શક્યતા છે. 8થી 9 ડિગ્રી તાપમાન સાથે સોમવારે કોલ્ડવેવની પણ આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી તા.25, 26 અને 27 એમ ત્રણ દિવસ તાપમાનનો પારો નીચે ઉતરશે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરથી આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં પવન ફૂંકાવાને કારણ 2થી 3 ડીગ્રી તાપમાનમાં ઘટાડો થશે. પવન સાથે તાપમાન નીચું જતા ઠંડીમાં વધારો થશે અને આગામી 3 દિવસ વાતાવરણ સૂંકુ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વર્ષો બાદ કાતિલ ઠંડી જોવા મળી છે. લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. ગામડાઓમાં તો સમીસાંજથી જ ઠંડીથી બચવા લોકો ઘરમાં પુરાઈ જાય છે. હાઈવે પર પણ રાતના સમયે ટ્રાફિકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકો ઠંડીને કારણે કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે.