
પશ્ચિમ બંગાળમાં CAA અંતર્ગત પ્રમાણપત્ર આપવાની શરૂઆત
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં નાગરિકતા સંશોધન અધિનિયમ હેઠળ નાગરિકતા પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે. જેમાં રાજ્યસરકાર તરફથી મળેલ આવેદનો મુજબ પશ્ચિમ બંગાળ રાજ્યના નાગરિકતા અધિકાર સમિતિ દ્વારા ગતરોજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. તે સાથે જ હરિયાણા અને ઉત્તરાખંડની નાગરિકતા અધિનિયમ સમિતિઓ દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ પહેલા 15 મે ના રોજ કેન્દ્રિય ગૃહ સચિવની અધિસુચના બાદ દિલ્હીની અધિકાર સમિતિ દ્વારા પ્રાપ્ત કરેલ નાગરિકતા પ્રમાણપત્રોને આવેદકોને સોંપ્યા હતા.
કેન્દ્ર સરકારે 11 માર્ચ-2024ના રોજ સીએએ કાયદો લાગુ કર્યો હતો. આ કાયદા હેઠળ ભારતના ત્રણ પડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના શિકાર બનેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે. જોકે જે લોકો 31 ડિસેમ્બર-2014 અથવા તે પહેલા ભારત આવ્યા હોય, તેમને જ ભારતીય નાગરિકતા આપવામાં આવે છે. સીએએ કાયદા હેઠળ પડોશી દેશોમાંથી આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓએ અરજી કરી હતી, તેમાંથી 300 લોકોને તાજેતરમાં ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.