નવી દિલ્હીઃ નવા મહિના ઓક્ટોબરની શરૂઆત સાથે જ દેશભરમાં લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 16 સુધીનો વધારો કર્યો છે. જો કે, 14 કિલોગ્રામના ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) દ્વારા જાહેર કરાયેલા અપડેટ મુજબ, દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે રૂ. 1,580 ના બદલે રૂ. 1,595 થઈ ગઈ છે. કોલકાતામાં ભાવ રૂ. 1,684 થી વધી રૂ. 1,700 સુધી પહોંચ્યા છે. મુંબઈમાં 19 કિલોગ્રામના સિલિન્ડર માટેની કિંમત રૂ. 1,531 થી વધી રૂ. 1,547 થઈ છે, જ્યારે ચેન્નાઈમાં તે હવે રૂ. 1,738 ના બદલે રૂ. 1,754 થઈ ગઈ છે. આમ ચારેય મહાનગરોમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ. 16 નો વધારો થયો છે. આ નવી કિંમતો 1 ઓક્ટોબર, 2025 થી અમલમાં આવી ગઈ છે.