1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં કોમર્શિયલ વાહનોનો 92 કરોડના બાકી ટેક્સની વસુલાત માટે મિલકતો પર બોજ નંખાશે
ભાવનગરમાં કોમર્શિયલ વાહનોનો 92 કરોડના બાકી ટેક્સની વસુલાત માટે મિલકતો પર બોજ નંખાશે

ભાવનગરમાં કોમર્શિયલ વાહનોનો 92 કરોડના બાકી ટેક્સની વસુલાત માટે મિલકતો પર બોજ નંખાશે

0
Social Share

ભાવનગરઃ શહેર અને જિલ્લામાં પબ્લિક ટ્રાન્સપોર્ટના કોમર્શિયલ વાહનોનો 92 કરોડનો વ્હીકલ ટેક્સ બાકી છે. વ્હીકલ ટેક્સ અંગે વારેવાર નોટિસ આપવા છતાં બાકી ટેક્સની રિકવરી થતી નથી. આથી વ્હીકલ ટેક્સના 5446 બાકી કરજદારોને છેલ્લી ચેકવણી નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં નિયમ સમય મર્યાદામાં બાકી ટેક્સ ભરવામાં નહીં આવે તો કરજદારોની મિલ્કતો પર બોજો નાંખવામાં આવશે. જેથી કરજદારો ભવિષ્યમાં પણ પોતાની મિલ્કતો વેચી શકશે નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ કોમર્શિયલ વ્હીકલ ટેક્સ પેટે  સરકારને દર વર્ષે કરોડની આવક થાય છે. ઘણા લોકો પોતાના કામર્શિયલ વાહનોનો વ્હિકલ ટેક્સ ભરતા નથી. જેથી રાજ્ય સરકારે તમામ આરટીઓને સુચના આપીને બાકી ટેક્સની કડક રિકવરી કરવા અને ટેક્સ બાકીદારો પર બોજો નાંખવાનો આદેશ આપ્યો છે.  આથી ભાવનગર આરટીઓ કચેરીએ 92 કરોડના ટેક્સની વસુલાત માટે 5446 વાહન માલિકોને આરઆરસી નોટીસ ફટકારી છે. હવે જો બાકીદારો ટેક્સની રકમ નહી ભરે તો તેમની મિલ્કત પર બોજો નાંખવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ભાવનગર આરટીઓ આઇ.એસ.ટાંકે જણાવ્યું હતું કે, કોમર્શિયલ વ્હીકલ પર વાહન ટેક્સની વસુલાત કરવામાં આવે છે. વર્ષ 2017 બાદ કોમર્શિયલ વ્હીકલમાં વાહન માલિકને લાઇફ ટાઇમ ટેક્સ અથવા તો દર છ છ મહિને ટેક્સ ભરવાની જોગવાઇ લાગુ કરવામાં આવી હતી. તાજેતરમાં વાહન વ્યવહાર કમિશનરે જે વાહન માલિકો ટેક્સ નથી ભરતા તેમની પાસેથી વસુલાત માટેની સુચના આપતાં ભાવનગરમાં પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં 2484 બસ, 1608 ગુડ્ઝ અને 1354 અન્ય વ્હીકલ મળી કુલ 5446 વાહનોનો 92 કરોડનો ટેક્સ બાકી હોવાનું જણાંતા આ તમામ વાહન માલિકોને આરઆરસી (રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ)ની નોટીસ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. નિયમ પ્રમાણે જે વાહન માલિક ટેક્સ ન ભરે તેમની પાસેથી દોઢ ટકા વ્યાજ અને 2 ટકા પેનલ્ટી વસુલવામાં આવે છે.

તેમણે ઉમેર્યું હતું કે, ભાવનગર શહેર અને જિલ્લાના જે વાહન માલિકોએ ટેક્સ નથી ભર્યો તેમને નોટીસ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ તેમની મિલ્કત પર બોજો દાખલ કરવામાં આવશે. એક વખત વાહન માલિકની પ્રોપર્ટી પર બોજો દાખલ થઇ જશે ત્યાર બાદ જે તે વાહન માલિક તેમની ચલ કે, અચલ સંપત્તિ જ્યાં સુધી ટેક્સની ભરપાઇ નહી કરે ત્યાં સુધી વેંચી નહી શકે એટલે તમામ વાહન માલિકોએ નિયમ પ્રમાણે સમયસર ટેક્સ ભરી દેવો જોઇએ.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code