- ત્રણ અધિકારીઓની કમિટીએ તપાસ બાદ સરકારને રિપોર્ટ પણ સબમિટ કર્યો,
- નર્સિંગ કાઉન્સિલ અને સરકારના પેરામેડિકલ એડમિશન નિયમો વિરૂદ્ધ પ્રવેશ અપાયો,
- તપાસ બાદ હવે સરકાર શું પગલા લેશે તે પ્રશ્ન છે
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નર્સિંગ કોલેજોમાં 2023-24ના વર્ષમાં થયેલા 400 ગેરકાયદે પ્રવેશ-એનરોલમેન્ટની ફરિયાદના ચકચારી કાંડમાં આરોગ્ય વિભાગે ત્રણ અધિકારીઓની કમિટી રચી હતી. આ કમિટી દ્વારા સરકારને રિપોર્ટ પણ સબમિટ કરી દેવાયો છે. કહેવાય છે કે, તપાસ રિપોર્ટના ખુલાસા મુજબ, નર્સિંગ કાઉન્સિલ અને સરકારના પેરામેડિકલ એડમિશન નિયમો વિરૂદ્ધ પ્રવેશ થયો છે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા 26 ડિસેમ્બર, 2023ના રોજ જાહેર થયેલા એનઆઈઓએસના પરિણામ બાદ થયેલા પ્રવેશ માટેના એનરોલમેન્ટની મંજૂરી આપવામાં આવી છે. હવે તપાસ બાદ હવે સરકાર શું પગલા લેશે તે પ્રશ્ન છે.
આ કેસની વિગત એવી હતી કે, અમદાવાદના કમલ કુમાર પટેલ નામના વ્યક્તિએ જૂન, 2024માં ફરિયાદ કરી હતી કે, બીએસસી નર્સિંગ કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2023-24 માટે કાઉન્સિલની 30 નવેમ્બર 2023ની પ્રવેશ મુદત બાદ 50 લાખ રૂપિયાની ગેરરીતિ તથા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ત્યાર બાદ, આરોગ્ય વિભાગે 3 જાન્યુઆરી 2025ના રોજ તપાસ કમિટી રચવાનો ઓર્ડર કર્યો હતો. 3 અધિકારીની કમિટીએ કુલપતિ, રજિસ્ટ્રાર તેમજ અધિકારી-કર્મચારી સહિત 9 લોકોના નિવેદન લીધા અને રેકોર્ડ ચેક કર્યા હતા.
સૂત્રોના કહેવા મુજબ તપાસમાં નર્સિંગ કાઉન્સિલના અભિપ્રાયમાં જણાવવામા આવ્યુ હતું કે, ખાનગી નર્સિંગ કોલેજો નિયમ-17 હેઠળ વેકેન્ટ ક્વોટામાં સરકારના નિયમો મુજબ ખાલી બેઠકો ભરી શકે છે. પરંતુ આ કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવાની હોય છે. નર્સિંગ સંસ્થાઓએ નિયમોનું પાલન કર્યું નથી. અને નિયમ વિરૂદ્ધ રૂલ નં. 17માં કટઓફ ડેટ બાદ પ્રવેશ ફાળવ્યો હતો. યુનિ. દ્વારા વિદ્યાર્થીઓની નોંધણી કરવા માટે વિનંતી કરવામા આવી હતી. નર્સિંગ કાઉન્સિલ દ્વારા અભિપ્રાય અપાયો હતો કે, વિદ્યાર્થીઓના બહોળા હિતને ઘ્યાને રાખી પૂર્વ ઉદાહરણ ન ગણી વન ટાઇમ મેઝર તરીકે પ્રવેશ ખાસ કિસ્સામાં માન્ય ગણવા જોઈએ. તપાસમાં યુનિ.ના સોફ્ટવેર રેકર્ડ મુજબ ડિસેમ્બર, 2023ની એનઆઈઓએસ પરીક્ષા પાસ કરેલા 77 વિદ્યાર્થીઓની કોલેજોમાં થયેલા પ્રવેશની એનરોલમેન્ટ એન્ટ્રી થઈ છે.
તપાસ સમિતિના રિપોર્ટ મુજબ યુનિ. દ્વારા એનઆઈઓએસમાંથી પાસ કરેલા વિદ્યાર્થીની સંખ્યા સાચી દર્શાવાઈ નથી. જ્યારે યુનિ.ની જ સમિતિના સભ્ય અને સરકારી કોલેજના આચાર્યએ સરકારની કમિટી સમક્ષ આપેલા નિવેદનમાં કહ્યુ હતું કે, એડમિશનની છેલ્લી તારીખ બાદ પ્રવેશ આપી નહીં શકાય અને 30 નવેમ્બર, 2023 (કાઉન્સિલની મુદત તારીખ) બાદ એનરોલમેન્ટ આપી શકાય નહીં. તપાસના તારણ મુજબ યુનિ.ના ચાર અધિકારીએ 30 નવેમ્બર 2023 બાદ નોંધ ચલાવી વેકેન્ટ રૂલ્સ મુજબ ખાલી બેઠકોમાં પ્રવેશની એનરોલમેન્ટ કરવાની કોલેજોની માંગણી મુજબની નોંધ 30 માર્ચ 2024ના રોજ ચલાવી કુલપતિ પાસે રજૂ કરી હતી. 30 માર્ચ 2024 અને 8 એપ્રિલ 2024ના રોજ એનરોલમેન્ટ માટે મંજૂરી અપાઈ હતી. જ્યારે 15 માર્ચ 2024માં નિમાયેલા કુલપતિએ નિવેદનમાં જણાવ્યુ હતું કે, વેકેન્ટ ક્વોટા રૂલ-17 હેઠળ પ્રવેશ અપાયેલા વિદ્યાર્થીઓના પ્રવેશના આધારોની ચકાસણી માટે બે સભ્યની કમિટી રચાઈ હતી. એનઆઈઓએસ રિઝલ્ટ 30 નવે.પછી આવ્યુ અને અન્ય રાજ્યમાં પ્રવેશ કાર્યવાહી ચાલુ હોવાથી સમિતિએ પ્રવેશ માટે સ્પષ્ટ ભલામણ કરી હતી. કોઈ પણ બદઈરાદા કે નિયમભંગ હેતુથી કોઈ પ્રક્રિયા કરાઈ નથી. જો કે સરકારની કમિટીએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે નિમય વિરૂદ્ધ પ્રવેશ થયા છે અને ગેરરીતિ આચરી આપેલ એડમિશનનો આક્ષેપ રેકોર્ડ આધારિત સાબિત થાય છે.