અમદાવાદઃ રાજ્યમાં વિવિધ કર્મચારી મંડળો પણ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે બાંયો ચડાવી રહ્યા છે. ત્યારે પોલીસ વિભાગના કર્મચારીઓ પણ ગ્રેડ-પે મામલે એક અઠવાડિયાથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. પોલીસના સમર્થનમાં આમ આદમી પાર્ટી, યુથ કોંગ્રેસ અને કરણીસેના પણ આવી છે. ગાંધીનગર સહિત અમદાવાદ, સુરત તથા રાજકોટમાં પણ પોલીસના સમર્થનમાં અનેક સંગઠનો આગળ આવી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને પોલીસની માંગને સ્વીકારવા માટે રજૂઆત કરી છે. જ્યારે બીજી તરફ ગાંધીનગરમાં પોલીસકર્મી તથા તેમના પરિવાર પણ પહોંચી ગયો છે. જ્યારે નવરંગપુરાના મહિલા કોન્સ્ટેબલે ચાલુ નોકરીએ જ અન્ન-જળનો ત્યાગ કરી દીધો છે.
ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ગ્રેડ-પે વધારવાને લઈને ધરણા આપી રહ્યાં છે. પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ-પે વધારવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે પોલીસ વિભાગ તરફથી એક અગત્યની સુચના આપવામાં આવી છે.કે, પોલીસના ગ્રેડ-પે મામલે સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરીને લોકોને ગેરમાર્ગે દોરનારી પોસ્ટ મુકનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે ગૃહારાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ અંગે ચોક્કસ વિચારણા કરવામાં આવશે અને માગણીમાં જરૂરી બદલાવ પણ કરીશું. આ બાબતનું વિશ્લેષણ કરવામાં આવશે. ત્યાર બાદ આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે.
રાજકોટમાં પોલીસ ગ્રેડ પેના આંદોલન મામલે NSUIના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. NSUIના કાર્યકરો મંગળવારે પગપાળા ચાલી જિલ્લા કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. NSUI દ્વારા પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે વધારવાની NSUI દ્વારા કરાઈ છે. પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પે ગ્રેડની માંગણી સાથે આપ દ્વારા ગુજરાત પોલીસના હક્ક-અધિકાર માટે પોલીસના સમર્થનમાં સુરત અને અમદાવાદમાં પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી છે. જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓને રાખવામાં આવ્યા છે. (1) પોલીસનો પગાર વધારવા, (2) પોલીસની બદલીમાં રાજકીય દખલગીરી બંધ કરવા, (3) પોલીસને બિનજરૂરી ટાર્ગેટ આપવાનું બંધ કરવા, (4) એસ.આર.પીને જિલ્લા વાઈઝ સ્થાયી કરવા, (5) મહિલા પોલીસને મકાન ફાળવણીમાં પ્રાથમિકતા આપવા તેમજ કચેરીમાં પ્રાઈવસી આપવા, (6) પોલીસનું યુનિયન બનાવવા સહિતના મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન વિરોધ પક્ષના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે, રાજ્યના તમામ કર્મચારીઓને મળવાપાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે.રાજ્યમાં એસ.એસ.આઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ-પે ખૂબ ઓછા છે જેમાં સુધારો કરી ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા જૂના ગ્રેડ-પેમાં તાત્કાલિક વધારો કરવો જોઈએ. આ સાથે તેમણે પત્રમાં લખ્યું છે, તમામ પોલીસ કર્મચારીઓનો ફરજનો સમય નક્કી કરવામાં આવે અને 8 કલાકથી વધારે નોકરીમાં યોગ્ય વળતર આપવામાં આવે તથા ઋતુ મુજબ સુરક્ષાના સાધનો આપવા જોઈએ.