
અમદાવાદઃ ગુજરાત પેપરો ફૂટવા, બ્રિજ તુટવા, ડ્રગ્સ ઉતરવા માટે કૂખ્યાત બન્યું છે. માર્ગ અને મકાન વિભાગ જે મુખ્યમંત્રીના હસ્તક છે એની સીધી દેખરેખ અને જવાબદારી મુખ્યમંત્રીની છે. ત્યારે ગુજરાતના તમામ બ્રિજની ચકાસણી કરાવીને તેના ફિટનેસ સર્ટી, ઓનલાઈન મુકવાની કોંગ્રેસ માગણી કરે છે. તેમ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે કોન્ટ્રાકટ કમીશન ટુ કમલમ ના ચક્કરમાં જનતા હેરાન પરેશાન તો થઇ રહી છે. માર્ગ અને મકાન વિભાગ જે મુખ્યમંત્રીના હસ્તક છે એની સીધી દેખરેખ અને જવાબદારી મુખ્યમંત્રીની છે. ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં તેર કરતા વધારે બ્રીજ તૂટી પડ્યા છે. ગયા વર્ષે એટલે કે, 2022માં સાત કરતા વધારે બ્રીજ તૂટી પડ્યા હતા. બંગાળમાં એક બ્રીજ તૂટે તો વડાપ્રધાન ત્યાં ચૂંટણી સભાઓમાં જોરજોરથી ભાષણ કરે કે આ “એક્ટ ઓફ ગોડ નહિ એક્ટ ઓફ ફ્રોડ છે” અને ગુજરાતમાં આટલા બ્રીજ તૂટ્યા અને હમણા જ પાલનપુરમાં બ્રીજ તુટ્યો બે લોકોના મોત થયા હવે પ્રધાનમંત્રી એક ટ્વીટ પણ નથી કરતા. પાલનપુરનો બ્રીજ તુટ્યો એ પહેલા મોરબી કે બીજા કોઈ બ્રીજ તૂટ્યા અને જેમાં લોકોના મોત થયા એ શું “એક્ટ ઓફ ગોડ છે કે એક્ટ ઓફ ભાજપનો ફ્રોડ” છે
તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં બ્રીજ ઉદ્ઘાટન થતા પહેલા ધરાશાયી થઇ જાય એની પાછળનું એક જ કારણ છે કે રોડનો કોન્ટ્રાકટ લેવો હોય, બ્રિજનો કોન્ટ્રાકટ લેવો હોય કે કોઈપણ કોન્ટ્રાકટ લેવો હોય જ્યાં સધી કોન્ટ્રાકટર કમીશન કમલમમાં ના મોકલે ત્યાં સુધી એને કોન્ટ્રાકટ મળતો નથી. આ કમીશન અને કમલમના ચક્કરમાં આજે ગુજરાતની જનતા પીસાઈ રહી છે. જે ઘટના બની છે એની પાછળ પણ કમીશન અને કમલમનું જે જોડાણ છે એ જ જવાબદાર હોવાનું સ્પષ્ટ ફલિત થાય છે. કારણ કે જે કંપનીઓ બ્લેક લીસ્ટેડ હોય એની એવા નિયમો રહ્યા છે કે એને ફરી એવા કોઈ કામ ન આપવા જોઈએ. તો એની પાછળ કોના આશીર્વાદ છે, એની પાછળ એવું તો શું કારણ છે કે બ્લેક લીસ્ટેડ થયલી કંપનીઓને ફરી પાછા કોન્ટ્રાકટ આપવામાં આવે છે. પાલનપુર બ્રિજ દૂર્ઘટનાની તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે પગલા લેવામાં આવે તેમજ ગુજરાતના તમામ બ્રિજને ચકાસણી કરી ફિટનેસ સર્ટીફીકેટ ઓનલાઈન મુકવામાં આવે એવી માંગણી કરીએ છીએ.