કોંગ્રેસ દ્વારા ગાંધી આશ્રમથી પાલડી સુધીની પદયાત્રા યોજાઈ, શક્તિંસિંહ ગોહિલ સોમવારે પદગ્રહણ કરશે
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ આજે સત્તાવાર પદગ્રહ સમારોહ કરવાના હતા, પરંતુ હવે આજે સોમવારે ભગવાન જગન્નાથ મંદિરે શીશ નમાવી પૂજા અર્ચના કરી પ્રમુખ તરીકે પદ ગ્રહણ કરશે. આ સાથે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મ દિવસ હોવાથી રાહુલ ગાંધીના જન્મ દિવસ પર તેઓ પદગ્રહ કરશે.
પ્રદેશ કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રવિવારે ગાંધી આશ્રમથી પાલડી સુધી પદ યાત્રા કાઢી હતી. દિલ્હી હાઇકમાન્ડ દ્વારા જાહેરાત થયા બાદ ગોહિલે પત્રકાર પરિષદ કરી જાહેરાત કરી હતી કે, આગામી 18 જૂનના રોજ ગાંધીઆશ્રમે શિશ નમાવી અને સમર્થકો સાથે પદ યાત્રા કાઢી પાલડી કોંગ્રેસ કાર્યલાય ખાતે પ્રમુખ પદનો પદગ્રહ સમારોહ યોજાશે. પરંતુ આખરે પદગ્રહણ સમારોહ ન યોજાયો અને રવિવારે માત્ર પદ યાત્રા નિકળી હતી. જેમાં શક્તિસિંહ ગોહિલના સમર્થનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. આજે સામવારે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળશે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રવિવારે યોજાયેલી પદયાત્રા એ કોઇ શક્તિપ્રદર્શન નથી. પરંતુ કાર્યકર્તાઓનો પ્રેમ અને આર્શિવાદ મળ્યો છે. તમામનો આભાર માનુ છુ. સાથે જ કહ્યુ કે, મારા આદર્શ અને અમારા નેતા રાહુલ ગાંધીનો સોમવારે જન્મ દિવસ છે. જેથી સોમવારે રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે અને ભગવાન જગન્નાથના દર્શન કરી પૂજા અર્ચના કરી પ્રમુખપદ ગ્રહણ કરીશ.
અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસના કાર્યલય પાલડી સુધી રવિવારે શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં યોજાયેલી પદયાત્રામાં ગુજરાતના ખૂણે ખૂણેથી વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. પદગ્રહણ કરતા પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં શક્તિસિંહ ગોહિલએ હાજરી આપી હતી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પો અર્પણ કરી આશીર્વાદ લીધા હતા.ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધીની લાંબી પદયાત્રામાં શક્તિસિંહ ગોહિલની સાથે હજારો સમર્થકો જોડાયા હતા. ગુજરાતની સંસ્કૃતિને રજુ કરતા રાસ તથા આદિવાસી નૃત્ય સાથે કોંગ્રેસના સમર્થકોએ પદયાત્રાને ખુબ જ રોચક બનાવી હતી.
રાજીવ ગાંધી પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ પક્ષના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તમામ શુભચિંતકોનો નત મસ્તકે આભાર માનતા જણાવ્યું હતું કે આપણા ગુજરાતમાં યુવાનોને રોજગારી, ખેડૂતોને સારા ભાવ, અસહ્ય મોંધવારી, પશુઓના ગૌચર, ફિક્સ પગાર, પેપર ફૂટવા, નાના વેપારીને સમસ્યા, કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરીસ્થિતિ, અતિશય ભષ્ટાચાર જેવી અનેક સમસ્યાઓ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ જનતાના પ્રશ્નોને વાચા આપશે. આપણા ગુજરાતનો ઈતિહાસ ગૌરવવંતો છે. અહીં ગુજરાતનો આજે સમતુલિત વિકાસ નથી. મુઠ્ઠીભર માલામાલ થાય છે અને આમ ગુજરાતી મુશ્કેલીમાં છે. ત્યારે ગુજરાતની સાચી અસ્મિતાના સ્થાપન માટે સૌ ગુજરાતીઓના સાથ, સમર્થન અને આશીર્વાદની જરૂર છે. અમે કોઈ પણ ભેદભાવ, જ્ઞાતિવાદ, જૂથબંધીમાં પડ્યા વગર સૌના સાથથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કામ કરીશું. અમારા આ પ્રયાસમાં તમામ ગુજરાતીઓ જોડાય તેવી નમ્ર વિનંતી છે.
સાબરમતી આશ્રમ, ગાંધી આશ્રમથી રાજીવ ગાંધી ભવન સુધીની પદયાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષઅ પૂર્વ નેતા પરેશ ધાનાણી, સુખરામ રાઠવા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સહિત પ્રદેશના હોદેદારો આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ સાથે સમગ્ર રાજ્યમાંથી વિવિધ ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓ અને ઉમળકાભેર સ્થાનિક લોકો પણ જોડાયા હતા.