
કેન્દ્ર સરકારને ચૂંટણી પંચના અધિકારીઓની નિયુક્તિ કરવાથી રોકો, સુપ્રીમ કોર્ટ પહોંચી કૉંગ્રેસ
નવી દિલ્હી: ચૂંટણી પંચમાં બે કમિશનરોની નિયુક્તિનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. અરુણ ગોયલના રાજીનામા બાદ અહેવાલ હતા કે આ સપ્તાહે કેન્દ્ર સરકાર બે કમિશનરોની નિયુક્તિ કરે તેવી શક્યતા છે. હવે કોંગ્રેસના નેતા જયા ઠાકુરએ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી છે કે 2023ના નિર્ણયને જોતા કેન્દ્ર સરકારને કમિશનરોની નિયુક્તિની પ્રક્રિયાથી રોકવામાં આવે. મહત્વપૂર્ણ છે કે ફેબ્રુઆરીમાં અરુપ ચંદ્રા પણ ચૂંટણી કમિશનર પદેથી રિટાયર થઈ ગયા હતા. તેવામાં હાલના સમયમાં ચૂંટણી પંચની પેનલમાં માત્ર એક જ કમિશનર છે અને તે છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર.
મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટમાં હાલ સીઈસી એક્ટ-2023ની વૈદ્યતાનો મામલો વિલંબિત છે. આ કાયદાને લઈને વિવાદ એટલા માટે થયો હતો, કારણ કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નુક્તિ કરનારી પેનલમાંથી સીજેઆઈને હટાવી દેવામાં આવ્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે કાયદા પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે સીઈસી કાયદા પ્રમાણે, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતાવાળી સમિતિ ચૂંટમી કમિશનરોની નિયુક્તિ કરી શકે છે.
અહેવાલ છે કે 13 અને 14 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પેનલની બેઠક થવાની શક્યતા છે. નિયમ એ છે કે મુખ્ય ચૂંટણી કમિશનર સિવાયના બે કમિશનર હોય છે. અરુણ ગોયલ રાજીવ કુમાર બાદ મુખ્ય ચૂંટણી કમિશનર બનવાની કતારમાં હતા. તેમનો કાર્યકાળ હજી ડિસેમ્બર-2027 સુધીનો હતો. જો કે તેમણે તેના પહેલા રાજીનામું આપી દીધું. સૂત્રોનું કહેવું છે કે આના કારણે મુખ્ય ચૂંટણી કમિશનર અને અરુણ ગોયલ વચ્ચે કોઈ ફાઈલને લઈને મતભેદ હતો. જો કે ગોયલે રાજીનામામાં અંગત કારણોને ટાંક્યા હતા.