
ભાવનગર જિલ્લામાં 100થી વધુ સરકારી શાળાઓ મર્જના નામે બંધ કરવા સામે કોંગ્રેસનો વિરોધ
ભાવનગરઃ જિલ્લામાં જે સરકારી શાળાઓમાં ઓછા વિદ્યાર્થીઓ હોય તો તેવી શાળાઓને બીજી સાળાઓમાં મર્જ કરવામાં આવી રહી છે. સરકારની આ નીતિ સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લામાં 100 જેટલી શાળાઓ સરકારી નીતિને કારણે બંધ થઈ રહી હોવાનું કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના શિક્ષણના ખાનગીકરણ, વ્યાપાકરીકરણની નીતિ અને નિયતથી સામાન્ય-મધ્યમ વર્ગને શિક્ષણ મેળવવું અઘરૂં બન્યું છે. શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના નાણાંની માત્ર જાહેરાતો કરે છે પરંતુ તે નાણાં ઉત્સવ અને તાયફો પાછળ વેડફાય છે. શિક્ષણ વિભાગ દ્વારા વિશ્વ બેન્ક પાસેથી સ્કૂલ ઓફ એક્સેલન્સના નામે 500 મિલિયન ડોલરની લોન લેવા જઈ રહી છે. બીજી બાજુમાં ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તારની 6000 જેટલી શાળાઓ બંધ કરવાના ભાજપ સરકારના અવિચારી નિર્ણયથી ગુજરાતની કન્યા શિક્ષણના પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી પ્રાથમિક સ્કૂલોમાં 18 હજાર કરતા વધુ ઓરડાઓની ઘટ છે. 3353 સ્કૂલોમાં 10,698થી વધુ ઓરડાઓની જર્જરિત હાલત છે, 31 ટકા સરકારી સ્કુલોમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, ગુજરાતની ગ્રાન્ટેડ પીટીસી કોલેજોમાં આચાર્ય-સ્ટાફની 40 ટકા જગ્યાઓ ખાલીમાં ભરતી થઈ નથી. ત્યારે શિક્ષણનું સ્તર સુધારવા જાહેરાતોમાં નહિ જાહેરાત હિતને કેન્દ્રમાં રાખવાને બદલે ભાજપ સરકાર સ્કૂલ ઓફ એક્સેલન્સ અને મર્જરના નામે સૌરાષ્ટ્રના 10થી વધુ જિલ્લાઓમાં 150 જેટલી શાળાઓ બંધ કરવા જઈ રહી છે. જેમાં ભાવનગરની 100 જેટલી શાળાઓ બંધ થશે.
તેમણે ઉમેર્યુ હતું કે, કોરોનાના મૃતકોના વારસદારને હાલમાં સરકાર પચાસ હજારની સહાય ચુકવી રહી છે. પરંતુ તે સહાય તો પશુના મૃત્યુ સમયે પણ ચુકવવામાં આવે છે જેથી રૂ. 4 લાખની સહાય સહિતની જુદી-જુદી માંગણીઓને લઈ કોંગ્રેસ દ્વારા આજે પ્રદેશ પ્રવક્તાની આગેવાની હેઠળ ન્યાયયાત્રા કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બેરોજગારી, ભરતી કૌભાંડ, પેપરલીક સહિતના પ્રશ્ને તેમણે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની હોમપીચ પર જ આકરા પ્રહારો કરતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે અગાઉ પણ ન્યાયયાત્રા કાઢી હતી ત્યારબાદ ફરી ન્યાયયાત્રા આજે કાઢી હતી. પણ કોંગ્રેસના મૃતકોના મોટાભાગના વારસદારોને સહાય તો ચુકવાઈ ગઈ છે. (FILE PHOTO)