
અમદાવાદ મ્યુનિ.ના લોક દરબારને ભાજપનો કાર્યક્રમ બનાવી દેવાની હિલચાલથી કોંગ્રેસનો વિરોધ
અમદાવાદઃ શહેરની મ્યુનિ.ની આવક વધારવા માટે પ્રોપર્ટી ટેક્સ ખાતા દ્વારા વ્યાજમાફી યોજના અને સીલિંગ ઝુંબેશ બાદ હવે પ્રોપર્ટી ટેક્સના બિલો અંગે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે આગામી તા.4થી માર્ચથી લોકદરબાર યોજવાનુ નક્કી કર્યુ છે અને તેમાં ફક્ત ભાજપના કોર્પોરેટરો, શહેર-વોર્ડના હોદ્દેદારોને જ લોકદરબાર કાર્યક્રમની જાણ કરવાની હિલચાલથી મ્યુનિ. કોંગ્રેસ પક્ષ નેતા ઉકળી ઊઠ્યા છે.
મ્યુનિ. કોંગ્રેસપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને વિકાસના નામે આડેધડ થઇ રહેલાં કામોના કારણે મ્યુનિ.ની તિજોરી તળીયા ઝાટક થઇ ગઇ છે. રાજ્યની ભાજપ સરકાર મ્યુનિ.ને ઓક્ટ્રોયની ગ્રાન્ટ પેટેના બાકી નીકળતાં કરોડો રૂપિયા આપતી નથી એટલે મ્યુનિ.ભાજપે શહેરીજનોને ડંડા મારીને પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી તિજોરી ભરવાના પ્રયાસો આદર્યા છે. મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં પણ વિવિધ રીતે વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેને રોકવામાં નિષ્ફળ મ્યુનિ. ભાજપના હોદ્દેદારોએ કોરોના મહામારી અને મોંઘવારીથી ત્રસ્ત નાગરિકોને વ્યાજમાફીનુ ત્રણ મહિનાનું ગાજર લટકાવ્યુ છે. વ્યાજમાફી જાહેર કર્યા બાદ 1લી ફેબ્રુઆરીથી બાકી ટેક્સ વસૂલ કરવા સીલ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તે છેલ્લા કેટલાય દિવસોથી ચાલુ છે કે બંધ તેની કોઇને જાણ નથી. વેપારી વર્ગ પણ મ્યુનિ. ભાજપની મંજૂરી સાથેની સીલ ઝુંબેશ સામે સખત નારાજ છે.
મ્યુનિ.વિપક્ષ નેતાએ ભાજપ ઉપર પ્રહારો કરતાં કહ્યું કે, હવે માર્ચ મહિનામાં પ્રોપર્ટી ટેક્સની આવક વધારવા માટે સાતેય ઝોનમાં પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમનુ આયોજન કરાયુ હોવાની જાણ તેમને થઇ છે. જેમાં નાનીમોટી ભૂલોવાળા બિલો અને વાંધાઅરજીઓના નિકાલની વાત કરવામાં આવી છે, પરંતુ આ કાર્યક્રમ મ્યુનિ.નો છે, તેમાં ફક્ત ભાજપના કોર્પોરેટરો અને શહેર-વોર્ડના હોદ્દેદારોને જ જાણ કરવાની તથા કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોને જાણ નહીં કરવાની હિલચાલ થઇ રહી છે તે કોઇ કાળે સાંખી લેવાશે નહીં. પ્રોપર્ટી ટેક્સનો લોકદરબાર શહેરીજનો માટે છે અને તેમાં દરેક પક્ષના કોર્પોરેટરોને સાથે રાખવામાં આવે તે મ્યુનિ. માટે હિતાવહ છે. પ્રોપર્ટી ટેક્સના લોકદરબાર અંગે જાણ નહીં કરાય તો પણ કોંગ્રેસના કોર્પોરેટરો તથા હોદ્દેદારો તેમના મતવિસ્તારના નાગરિકો માટે લોકદરબારમાં ઉપસ્થિત રહેશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.