Site icon Revoi.in

વડોદરામાં સ્મશાનના ખાનગીકરણ સામે કોંગ્રેસે મ્યુનિ.કચેરી સામે કર્યો વિરોધ

Social Share

વડોદરાઃ  શહેરના 31 જેટલા સ્મશાનનો વહિવટ ત્રણ ખાનગી એજન્સીને સોંપાયા બાદ આવતી કાલે સોમવારે પ્રથમ દિવસે સ્મશાનોમાં અવ્યવસ્થા જોવા મળી હતી. ખાનગી એજન્સીના સ્ટાફની સમજદારીના અભાવે લોકોએ જાતે ચિતામાં લાકડાં-છાણાં મૂકવાં પડ્યાં હતાં. સ્મશાનોમાં મૃતકની નોંધણી-પાવતીની વ્યવસ્થા ન હોવાથી લોકોએ રોષ ઠાલવ્યો હતો. ખાસવાડી, નિઝામપુરા, મકરપુરા, ગાજરાવાડી રામનાથ અને માંજલપુર સહિતના સ્મશાનમાં આવેલા 40 પૈકી 10થી વધુ મૃતદેહને અગ્નિસંસ્કાર માટે પ્રતિક્ષા કરવી પડી હતી. સવારથી ખાસવાડી સ્મશાનમાં અંતિમવિધિ માટે એજન્સીના લોકો હાજર ન હતા. સ્વજનોએ અસ્થિ માટેની ટ્રે પણ જાતે શોધવી પડી હતી. આ મામલે ખાનગી એજન્સીને સ્મશાન ગૃહનો વહિવટ સોંપલા સામે કોંગ્રસે દ્વારા ભારે વિરોદ કરવામાં આવ્યો હતો.

શહેરમાં સ્મશાનોના ખાનગીકરણ અને સોમવારે સવારથી અલગ અલગ સ્મશાનોમાં સર્જાયેલી અવ્યવસ્થા મુદ્દે શહેર કોંગ્રેસે દ્વારા મ્યુ. કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. કોંગ્રેસના કાર્યકરોએ પ્લે કાર્ડ અને બેનરો સાથે મોરચો લઈ મ્યુનિ.કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ઋત્વિજ જોષીએ મ્યુનિ. કમિશનરને સવાલ પૂછ્યા હતા કે, સ્મશાનના ખાનગીકરણનો પરિપત્ર કયા આધારે કરવામાં આવ્યો છે. કોઈપણ કામગીરી કરવી હોય તો તે અંગેની સભામાં ચર્ચા કરવામાં આવે છે જે થઈ નથી. વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ આ મુદ્દે સવાલો પૂછી કહ્યું હતું કે, જે વ્યવસ્થા મ્યુનિ. કોર્પોરેશન ચલાવી શકે છે તે કોન્ટ્રાક્ટરોને આપવાની એવી તે શું જરૂરિયાત ઊભી થઈ છે.

કોંગ્રસના આગેવાનોએ જણાવ્યું હતું હતું કે, પહેલા દિવસે જો આ પ્રકારની અવ્યવસ્થા સર્જાઈ હોય તો આગામી દિવસોમાં પ્રજાને જ ભોગવવાનો વારો આવશે. કોંગ્રેસે શહેરમાં પડેલા ખાડાઓ મુદ્દે પણ મ્યુનિ. કમિશનર પાસે જવાબો માંગ્યા હતા. જોકે આ સમગ્ર મામલે કોંગ્રેસના કાર્યકરો પ્લે કાર્ડ અને બેનરો સાથે મોરચો લઈ પાલિકામાં પહોંચ્યા હતા. જોકે બીજી તરફ ટીમ વડોદરાના સ્વેજલ વ્યાસ દ્વારા પણ સ્મશાનોના ખાનગીકરણ ના મુદ્દે રજુઆત કરીને વહેલી તકે યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.