- બ્રિજને મરામત ન કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું,
- કોંગ્રેસના કાર્યકરોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરતા 23 કાર્યકરોની અટકાયત,
- ભાજપના ધારાસભ્ય કહે છે, સરકાર નવો બ્રિજ બનાવશે
ભરૂચઃ વડોદરાના પાદરા તાલુકામાં મહિસાગર નદી ઉપરનો ગંભીરા બ્રીજ તૂટી પડ્યાની ઘટના બાદ અન્ય જર્જરિત બ્રિજ સામે સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીના અત્યંત જર્જરિત બ્રીજ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસે દોડી આવીને કોંગ્રેસના 23 કાર્યકરોની અટકાયત કરી હતી.
ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીના અત્યંત જર્જરિત બ્રીજ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની આગેવાનીમાં ઢાઢર નદીના બ્રીજ ઉપર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા ‘ઠાઠડી’ લઇ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા. “હાય હાય ભાજપ”, “ભ્રષ્ટાચાર કરી સરકાર નહીં ચલેગી” જેવા નારા લગાવ્યા હતા. અને ભારે વાહનોના આવાગમન પર પ્રતિબંધની પણ માગ ઉઠાવવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનના પગલે ડીવાયએસપી પી.એલ. ચૌધરી, આમોદ પોલીસ ઈન્સ્પેક્ટર રાજુ કરમટિયા સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જંબુસર નગરપાલિકાના વિરોધપક્ષના નેતા સાકીર મલેક સહિત 23 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
દરમિયાન જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે જંબુસર-ભરૂચ વચ્ચે આવેલા ઢાઢર નદીના બ્રીજ, નહિયેરની ખાડીનો બ્રીજ અને કેલોદ નજીકના ભૂખી ખાડીના બ્રીજનું નવીનીકરણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી પ્રસ્તાવ મંજૂરી માટે પ્રકિયા ચાલી રહી છે.
કોંગ્રસના પૂર્વ ધારાસભ્યના કહેવા મુજબ જંબુસર-આમોદ વચ્ચે ઢાઢર નદી ઉપરના પુલની જર્જરિત હાલત બાદ લોકોમાં ભયનો માહોલ છે. વિરોધ પક્ષે પ્રદર્શન કરીને જનતાના હિત માટે દબાણ વધાર્યું છે.