Site icon Revoi.in

કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે 182 સ્થળોએ “જન આક્રોશ સભા” યોજાશે

Social Share

 અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે જનતાના હક્ક અધિકારની લડાઈને બુલંદ કરવા સમગ્ર ગુજરાતમાં વિધાનસભા દીઠ “જન આક્રોશ સભાઓ” યોજાશે. અને તાના ભાગરૂપે દહેગામ તથા શામળાજી ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા યોજાઈ હતી. જેમાં ભાજપ સરકારના વ્યાપક ભ્રષ્ટાચાર સામે પ્રહારો કરાયા હતા.

કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ સભામાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે “ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી શાસન કરતી ભાજપની સરકાર દરેક મોર્ચે નિષ્ફળ નીવડી છે. તમામ વર્ગ વિસ્તારના લોકો ભેદભાવ અને અન્યાયનો ભોગ બન્યા છે અને એના કારણે આજે દરેક વ્યક્તિ દુઃખ અને આક્રોશમાં છે. મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી ચારે તરફ વધી છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ખેડૂતોની આર્થિક હાલત ખૂબ ખરાબ છે. ધંધા-વ્યાપાર ચોપટ થઈ રહ્યા છે. દારૂ અને ડ્રગ્સની બદી વધી રહી છે. યુવાઓને રોજગાર જોઈએ, પણ તેની જગ્યાએ પેપર લીક અને ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય છે. તમામ લોકોની તકલીફોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તારોમાં જન આક્રોશ સભાઓ દ્વારા લોકોના અવાજને બુલંદ કરવાનો સંકલ્પ કર્યો છે. આજ દહેગામથી એની શુભ શરૂઆત કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યુ હતું કે, કોંગ્રેસના તમામ નેતા-કાર્યકર્તાઓએ લોકોના હક્ક અધિકાર અને સંવૈધાનિક અધિકારોની રક્ષા માટે લડવાનો સંકલ્પ લીધો છે. વોટચોરોને ખુલ્લા પાડવા અને મતના અધિકારની રક્ષા માટેનું આ અભિયાન ઘર ઘર સુધી લઈ જઈ સફળ બનાવાશે. આજે રાજ્યમાં ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે, રસ્તામાં ખાડા નહિ પરંતુ આખી સરકાર ખાડે ગઈ છે. લોકોના આક્રોશને લઈને આવનારા દિવસોમાં કોંગ્રેસ લોકો વચ્ચે જઈ સરકાર સામે જનઆંદોલન ઊભું કરવા કટીબધ્ધ છે.”

મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે જનતાના હક્ક અધિકારની લડાઈને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિધાનસભા દીઠ “જન આક્રોશ સભા” યોજવાના ભાગરૂપે શનિવારે દહેગામ તથા શામળાજી ખાતે જનઆક્રોશ સભા સંપન્ન થઈ હતી.

કોંગ્રેસની જન આક્રોશ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી, ગુજરાત સંગઠન પ્રભારી અને સાંસદશ્રી મુકુલ વાસનિકજી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી  ભરતસિંહ સોલંકી, એ.આઈ.સી.સી.ના CWC સભ્ય  જગદીશ ઠાકોર, સહપ્રભારી  સુભાષીની યાદવ, સહપ્રભારી  રામકીશન ઓઝા, ગાંધીનગર જિલ્લા પ્રમુખ  અરવિંદસિંહ સોલંકી, મહેસાણા જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર,  રાજેન્દ્રસિંહ ઠાકોર, અરવલ્લી જિલ્લા પ્રમુખ અરૂણકુમાર પટેલ, પ્રદેશ અગ્રણી નીશીત વ્યાસ,  પંકજ પટેલ, પ્રદેશ પ્રવક્તા  હિમાંશુ પટેલ સહિતના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા