
ઉનાળાની ગરમીમાં દહીં અને છાશનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક
દહીં દૂધને જમાવીને બનાવવામાં આવે છે, છાશ એ મૂળભૂત રીતે દહીંમાંથી માખણ કાઢ્યા પછી બાકી રહેલું પ્રવાહી છે. આ બંને ઉત્પાદનો પોષક તત્વોથી ભરપૂર છે. જેમ કે પ્રોટીન, કેલ્શિયમ અને વિટામીન B12. પરંતુ, તેમના સ્વાસ્થ્ય લાભો અલગ છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે ઉનાળામાં દહીં અને છાશનું સેવન કરવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે.
દહીંની અંદર હોય છે ફાયદાકારક બેક્ટેરિયા
નિષ્ણાંતો કહે છે કે છાશ અને દહીં ખાવાના ઘણા ફાયદા છે. દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા આપણા પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ બેક્ટેરિયા આપણું પાચન સુધારે છે. અને પેટમાં ચેપ તેમજ ઝાડા જેવી સમસ્યાઓથી બચાવે છે.
પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા મિનરલ્સનો મહત્વનો સ્ત્રોત
ઉનાળામાં વધતા તાપમાન અને હીટસ્ટ્રોકથી બચવા માટે દહીં એક અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. દહીંમાં પ્રોબાયોટીક્સના ગુણ હોય છે, જે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. અને પાચનક્રિયા સુધારે છે. આ સિવાય દહીં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સનો પણ મહત્વનો સ્ત્રોત છે, જે હીટ સ્ટ્રોકથી બચવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રોજ દહીંનું સેવન કરવાથી માત્ર હીટ સ્ટ્રોકથી જ રક્ષણ નથી મળતું પરંતુ શરીરને પણ શક્તિ મળે છે. ઉનાળાની આ ઋતુમાં તમે તમારા રોજિંદા આહારમાં દહીંનો સમાવેશ કરીને સ્વસ્થ રહી શકો છો.
પાણીનું પ્રમાણ વધારે હોવાથી પચવામાં સરળતા
છાશ માત્ર એક સ્વાદિષ્ટ પીણું નથી. બલ્કે, તે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા પણ આપે છે. દહીંના તમામ વિટામિન્સ અને મિનરલ્સ છાશમાં હોય છે. પરંતુ, તેમાં પાણીનું પ્રમાણ વધારે છે જે તેને પાતળું અને પચવામાં સરળ બનાવે છે. બપોરના સમયે છાશનું સેવન કરવાથી પાચનક્રિયામાં સરળતા રહે છે.