
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટુંકા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવતા પરિપત્ર સામે વિવાદ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવતો પરિપત્ર જારી કરતા વિવાદ ઊભો થયો છે. પરિપત્રમાં વિદ્યાર્થિનીઓને પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલમાં ટૂંકા વસ્ત્રો નહીં પહેરવા સૂચના આપવામાં આવી છે. જોકે, હજુ સુધી બોયઝ હોસ્ટેલ માટે કોઈ પ્રકારના નિયમો જાહેર કરવામાં આવ્યા નથી, ડાઇનિંગ હોલમાં ભોજન બનાવનારા રસોઈયા હોવાના કારણે હોસ્ટેલની તમામ વિદ્યાર્થિનીઓને ટૂંકા વસ્ત્રો ન પહેરવાની સુચના આપવામાં આવી છે. જેનો વિદ્યાર્થિનીઓએ જ વિરોધ કર્યો છે. વિદ્યાર્થિનીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશોએ મેરિટ લિસ્ટના ગોટાળાને દબાવવા મુદ્દો ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જોકે, વિદ્યાર્થિનીએ એમ પણ કહ્યું કે, ક્યાં કેવા કપડાં પહેરવા તે અમે જાણીએ જ છીએ.
સૌરાષ્ટ્ર યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અનુરૂપ વસ્ત્રો પહેરવા જોઈએ. મંદિરોમાં પણ કપડાંને લઈને વ્યવસ્થા હોય છે. એમે તો ફક્ત ભોજન લેવા જાય ત્યારે અને પ્રાર્થના હોલમાં વિદ્યાર્થિનીઓને ટૂંકા વસ્ત્રો નહીં પહેરવા જણાવ્યું છે. કારણ કે, ભોજન લેવા જાય ત્યાં બહેનોની સાથે ભોજન બનાવનાર રસોઈયા પણ હોય છે. જ્યારે મંદિરોની જેમ પ્રાર્થના સમયે ટૂંકા વસ્ત્રોની મનાઈ ફરમાવવામાં આવી છે. આ નિયમો પહેલા પણ હતા. માત્ર તેને લોકોની જાણ માટે વેબસાઈટ પર મુકાયા છે. તેમજ બોયઝ હોસ્ટેલના નિયમો પણ હાલ તપાસવામાં આવી રહ્યા છે. જેમાં જરૂરી ફેરફાર કરીને ટૂંક સમયમાં પબ્લિક ડોમેઇન પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું. કે, ભારતીય સંસ્કૃતિને અમે માનીએ છીએ. કોઈ છોકરી મંદિર, ડાઇનિંગ હોલમાં કે પરિવાર સાથે ટૂંકા કપડા પહેરીને જતી હોય તેવું આજ સુધી અમે જોયું નથી. કોઈ વિદ્યાર્થિની પ્રાથના હોલ કે ભોજન લેવા ડાઈનિંગ હોલમાં જાય ત્યારે ટુંકા વશ્ત્રો પહેરતી જ નથી. તો આ પ્રકારના નિયમો જાહેર કરવાની કોઈ જરૂર રહેતી નથી. બહેનોમાં પહેલાથી આવી સમજણ હોય છે. જોકે આ નિયમો હોસ્ટેલ પ્રવેશનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે જાહેર કરાયો હોય તેવું લાગી રહ્યું છે. બહેનોમાં પહેલાથી જ સમજણ હતી કે કઈ જગ્યાએ કેવા વસ્ત્રો પહેરવા જોઈએ. ડાઇનિંગ હોલ અને પ્રાર્થના હોલમાં સામાન્ય રીતે કોઈ ટૂંકા વસ્ત્રો પહેરતું નથી.