UGCના શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાના જાહેરનામા ઉપર વિવાદઃ શું છે હકીકત?
[અલકેશ પટેલ] અમદાવાદ, 27 જાન્યુઆરી, 2026 – UGC દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તેનાથી આખા દેશમાં વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે. જોકે આ જાહેનામાનો ઊંડો અભ્યાસ કરવાથી એટલું સ્પષ્ટ છે કે, જે ભય ફેલાવવામાં આવી રહ્યો છે એવી કોઈ ગંભીર સ્થિતિ નથી. વળી, નોંધપાત્ર વાત પણ છે કે, યુજીસીનું આ જાહેરનામું સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ બહાર પાડવામાં આવ્યું છે. યુજીસીએ આ અંગેનો મુસદ્દો 2025માં તૈયાર કર્યો હતો જેને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
દેખીતી રીતે રાષ્ટ્રીય સ્તરે અસર કરનાર આવા મહત્ત્વના વિષય ઉપર સમાજમાં સાચી દિશામાં વિમર્શ થાય એ જોવાની જવાબદારી મીડિયાની છે. અને એ અનુસંધાને રિવોઈ દ્વારા સમાજના અગ્રણીઓનો અભિપ્રાય લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે એ પ્રયાસમાં પૂરતી સફળતા ન મળી. બે મુખ્ય રાજકીય પક્ષો – ભાજપ અને કોંગ્રેસે હાલ આ વિષય ઉપર કશું બોલવાનું ટાળ્યું છે. તો અન્ય સામાજિક આગેવાનોનું કહેવું છે કે, તેઓ હજુ આ જાહેરનામાનો અભ્યાસ કરી રહ્યા છે.
સામાજિક આગેવાન દેવેન્દ્રકુમારે શું કહ્યું?
જોકે, આ વિષય ઉપર સામાજિક આગેવાન દેવેન્દ્રકુમારે જે વાતો કહી તેનાથી એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે, જે ભય ફેલાવવામાં આવી રહ્યો છે એવું ગંભીર કશું જ આ જાહેરનામામાં નથી. રિવોઈ સાથે વિશેષ વાતચીત કરતા દેવેન્દ્રકુમારે કહ્યું કે, “મને એવું લાગે છે કે, આ મુદ્દો ખોટી રીતે ચગાવવામાં આવી રહ્યો છે.” આ સંદર્ભમાં તેમણે આશંકા વ્યક્ત કરી કે, ડાબેરી ટૂલકિટ દ્વારા વિવિધ મુદ્દે ઝેન-જીને ભ્રમિત કરવા માટે જે છેલ્લા થોડા સમયથી પ્રયાસ થઈ રહ્યા છે તેનો જ આ ભાગ હોઈ શકે.
પોતાની વાતના સમર્થનમાં તેમણે કેટલાંક ઉદાહરણ આપ્યા. તેમણે જણાવ્યું કે, ચોક્કસ પરિબળો દ્વારા વાસ્તવમાં જાહેરનામાની કલમ 3(સી)ને હાઈલાઈટ કરીને પ્રસારિત કરવામાં આવી રહી છે. પરંતુ આ પરિબળો એ જ કલમ 3(ઈ) વિશે મૌન છે.
ચાલો જાણીએ શું છે 3(સી) અને 3(ઈ)માં:
યુજીસીના જાહેરનામાની કલમ 3(સી) અનુસારઃ “જાતિઆધારિત ભેદભાવ” અર્થાત એવો ભેદભાવ જે માત્ર અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, તથા અન્ય પછાત વર્ગોના સભ્યો વિરુદ્ધ માત્ર જાતિ અથવા જનજાતિ આધારિત ભેદભાવ.
તેની સામે કલમ 3(ઈ)માં જે વાત છે એ પણ એટલી જ અગત્યની છે. તે અનુસાર, “ભેદભાવ” (Discrimination) એટલે કોઈપણ હિતધારક (stakeholder) પ્રત્યે માત્ર ધર્મ, જાતિ(વંશ), જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ, દિવ્યાંગતા અથવા તેમાંથી કોઈપણ બાબતના આધારે કરવામાં આવતું કોઈપણ અયોગ્ય, પક્ષપાતભર્યું અથવા પૂર્વગ્રહયુક્ત વર્તન અથવા આવું કોઈપણ કૃત્ય, પછી તે સ્પષ્ટ હોય કે ગૂઢ (અર્થાત પ્રત્યક્ષ હોય કે પરોક્ષ). તેમાં એવા કોઈપણ તફાવત, બાકાત રાખવાની પ્રક્રિયા (exclusion), મર્યાદા અથવા પસંદગીનો પણ સમાવેશ થાય છે જેનો હેતુ અથવા પરિણામ શિક્ષણમાં સમાન વર્તનને નિષ્ફળ બનાવવાનું અથવા તેને નુકસાન પહોંચાડવાનું હોય, અને ખાસ કરીને, કોઈપણ હિતધારક અથવા હિતધારકોના જૂથ પર એવી શરતો લાદવી જે માનવીય ગૌરવ સાથે સુસંગત ન હોય.
દરેકને સંરક્ષણ મળે છે
દેવેન્દ્રભાઈ કહે છે કે, આ 3(ઈ) જોગવાઈ સ્પષ્ટ છે કે, યુજીસીના જાહેરનામામાં માત્ર અનુસૂચિત જાતિ-જનજાતિ કે ઓબીસીના વિદ્યાર્થીઓને જ રક્ષણ નથી મળ્યું પરંતુ તેની સાથે કૉલેજ-યુનિવર્સિટીના કૅમ્પસમાં “ભેદભાવ” (Discrimination)નો ભોગ બનનાર દરેક વિદ્યાર્થીને સંરક્ષણ મળે છે.
આ ઉપરાંત બીજી પણ એક મહત્ત્વની જોગવાઈ છે જેનો અભ્યાસ કરવાથી સ્પષ્ટ થાય છે કે, સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓમાં જે ભય ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે અયોગ્ય છે. એ જોગવાઈ એટલે કલમ 5ની પેટાકલમ 6માં સમતા સમિતિની રચનાનું જે માળખું આપવામાં આવ્યું છે તે પણ સવર્ણ વિદ્યાર્થીઓના ખોટા ભયને દૂર કરવા માટે પૂરતું છે. કલમ 5(6) અનુસાર (1) સંસ્થાના વડા સમિતિના અધ્યક્ષ રહેશે. (2) ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના ત્રણ પ્રોફેસર – વરિષ્ઠ ફેકલ્ટી સમિતના સભ્ય રહેશે. (3) ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના એક કર્મચારી (જે શિક્ષક ન હોય તેવા) આ સમિતિના સભ્ય હશે. (4) આ વિષયમાં અનુભવ ધરાવનાર નાગરિક સમાજના બે વ્યક્તિ સમિતિના સભ્ય રહેશે. (5) સમિતિમાં બે વિદ્યાર્થી પ્રતિનિધિની નિમણૂક તેમની શૈક્ષણિક યોગ્યતા, રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદાન, ઈતર પ્રવૃત્તિઓમાં તેમની ઉત્તમ કામગીરીને આધારે થશે – અને આ વિદ્યાર્થી પ્રતિનિધિઓ આમંત્રિત સભ્યોના સ્વરૂપમાં હશે. (6) આ સમાન તક સેન્ટરના કો-ઓર્ડિનેટર સભ્ય-સચિવ તરીકેની ભૂમિકામાં રહેશે.
દેવેન્દ્રકુમાર આ જોગવાઈઓ તરફ ધ્યાન દોરીને કહે છે કે, યુજીસી દ્વારા અહીં ક્યાંય સમિતિમાં પ્રોફેસર, શૈક્ષણિક સંસ્થાના કર્મચારી, નાગરિક સમાજના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ માટે જ્ઞાતિ-જાતિ કે વર્ગ નિર્ધારિત કર્યા નથી.
અલબત્ત, આ જ કલમમાં 7 (સાત) નંબરની જોગવાઈ અનુસાર, સમિતિમાં ઓબીસી, દિવ્યાંગ, એસસી, એસટી તથા મહિલાઓનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ, પરંતુ તેમની સંખ્યા વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
મૂળ પ્રશ્ન એ છે કે, યુજીસી દ્વારા આવી વ્યવસ્થા શા માટે કરવામાં આવી?
તેના જવાબમાં દેવેન્દ્રકુમાર માને છે કે, વિદ્યાર્થીઓના સ્તરે ઊભા થતા આવા કોઈ જાતિવાદી ભેદભાવના પ્રશ્નોનું નિરાકરણ શૈક્ષણિક સંસ્થાની અંદર જ આવી જાય અને તેના પડઘા બહાર સુધી ન પડે એવો યુજીસીનો આશય હોઈ શકે.
તેઓ જણાવે છે કે, દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં લગભગ 4.50 કરોડ વિદ્યાર્થીઓ છે. માહિતી અનુસાર અત્યાર સુધીમાં વાસ્તવમાં એક ટકા કરતાં ઓછી ફરિયાદો ભેદભાવને લગતી જોવા મળી છે અને તેનાથી આગળ વધીને જોઈએ કે, જે એક ટકા કરતાં ઓછા કેસ થાય છે તેમાંથી પણ માંડ એકાદ ટકા કેસમાં ભેદભાવનો મુદ્દો સાબિત થઈ શકે છે. અર્થાત 99 ટકા કેસમાં જાતિગત ભેદભાવ હોતો જ નથી. તેમણે ગુજરાતના સંદર્ભમાં કહ્યું કે, રાજ્યમાં કુલ ફરિયાદોના માત્ર 4.5 ટકા ફરિયાદો વાસ્તવમાં કેસમાં પરિવર્તિત થઈ છે.
ફરિયાદ અને કેસ વચ્ચે તફાવત
ફરિયાદ અને કેસ વચ્ચે તફાવત સમજાવતા તેમણે કહ્યું કે, કોઈએ ફરિયાદ કરી એનો અર્થ એવો ન જ કરી શકાય કે કેસ દાખલ થઈ ગયો. ફરિયાદ થાય પછી સમિતિ તપાસ કરે છે અને તેના આધારે નિર્ણય લેવામાં આવે છે.
દેવેન્દ્રકુમારે આશંકા વ્યક્ત કરી કે, જે પરિબળો આ મુદ્દાને આટલા મોટા પાયે ઉપાડી રહ્યા છે તેને કારણે ટૂલકિટ એક્ટિવિઝમ વધવાનું જોખમ છે. હિન્દુઓમાં ભાગલા પડાવવાને જે નવાં નવાં હથકંડા અપનાવવામાં આવે છે તેમાં યુજીસીના નવા નિયમના મુદ્દાનો પણ ખોટું અર્થઘટન કરીને દૂરુપયોગ કરવામાં આવી શકે છે તેવી આશંકા તેમણે વ્યક્ત કરી છે. તેઓ કહે છે કે, આ નિયમને કારણે જે સ્થિતિની સંભાવના એક ટકા કરતાં ઓછી છે તેને ટૂલકિટ દ્વારા અને તેને પગલે ગેરમાર્ગે દોરવાયેલા લોકો દ્વારા તેને વધારીને 100 ટકા ડરાવવામાં આવી રહ્યા છે.
રિવોઈનું તારણ
આ સમગ્ર કેસમાં રિવોઈનું તારણ એ છે કે, સાત પાનાનું જાહેરનામું સંપૂર્ણ ધ્યાનથી વાંચ્યા વિના આ મુદ્દે વિરોધ કરનારા ક્યાંક ગેરમાર્ગે દોરવાઈ રહ્યા હોઈ શકે. માત્ર એક મુદ્દે ભય કે આશંકા ઊભી રહે છે, અને તે એ કે, 2025માં લોકોના અભિપ્રાય મેળવવા માટે આ નિયમનો મુસદ્દો (ડ્રાફ્ટ) જાહેર કરવામાં આવ્યો ત્યારે તેમાં ખોટી ફરિયાદ કરનાર સામે પણ પગલાં લેવાની જોગવાઈ હતી, તે જોગવાઈ પ્રકાશિત થયેલા જાહેરનામામાં શા માટે ગાયબ થઈ ગઈ? એ પ્રશ્નનો જવાબ અત્યારે કોઈની પાસે નથી.
સૌના લાભાર્થે અહીં અમે જાહેરનામાની લિંક આપી રહ્યા છીએ, જે વાંચીને દરેક જણ પોતે સમજી અને નિર્ણય લઈ શકશે…
(https://www.ugc.gov.in/pdfnews/1881254_UGC-Promotion-of-Equity-in-HEIs-Regulations-2026.pdf )


