
ગાંધીનગરઃ શહેરમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરીજનો ગરમીથી બચવા એસી અને પંખા નીચે ઘરમાં પુરાઈ રહે છે. જ્યારે અસહ્ય ગરમીને લીધે સૌથી કફોડી હાલત પ્રાણીઓ અને પંક્ષીઓની થઈ રહી છે. શહેરના ઈન્દ્રોડા પાર્કમાં અનેક પ્રાણીઓ અને પક્ષીઓ વિહાર કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા માટે પાંજરા પાસે એર કૂલકો મુકવામાં આવ્યા છે. તેમજ પાણીનો સતત છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચતા જનજીવન પર અસર પડી રહી છે. બપોરના સમયે પાટનગરના રસ્તાઓ સુમસામ બની જાય છે. અસહ્ય ગરમીને લીધે પ્રાણીઓ અને પક્ષીઓની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે શહેરમાં આવેલા ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે મલ્ટી વિટામીન આપવાનો પ્રારંભ કરાયો છે. તે ઉપરાંત બપોરના 12થી 4 કલાક દરમિયાન સિંહ, વાઘ અને દિપડાને પિંજરાની અંદર રાખવામાં આવે છે. પિંજરા પાસે કૂલરો મુકવામાં આવ્યા છે. ગરમીના કારણે માસાહારી પ્રાણીઓનો ખોરાક પણ ઓછો થઇ ગયો છે. પાટનગરનું ગ્રીનસીટીનુ બિરુદ્ધ જતુ રહ્યા પછી ગરમી પોતાના આકરા તેવર બતાવી રહી છે. સવારના સમયમાં જ સૂર્યના સીધા કિરણો શરીરને દઝાડી રહ્યા છે.
શહેરના ઈન્દ્રોડા પાર્કમાં વિહાર કરતા માસાંહારી પ્રાણીઓમાં ગરમીનુ પ્રમાણ વધારે જોવા મળતુ હોય છે. ગરમ ખોરાકના કારણે તેમનુ શરીર ગરમીમાં હાંફતુ જોવા મળતુ હોય છે. ત્યારે પ્રાણીઓને ગરમીથી બચાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. ઓપનમોટ પ્રકારના પાંજરામાં ખુલ્લા ફરતા સિંહ, વાઘ અને દિપડાને બપોરના 12થી 4 કલાક દરમિયાન કુલરની હવામાં પાંજરામાં જ રાખવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત ખોરાક પાણીની સાથે મલ્ટી વિટામીન આપવામાં આવી રહ્યા છે. જેથી પ્રાણીઓમાં શક્તિ જળવાઇ રહે અને ગરમીથી બચાવી શકાય. માંસાહારી પ્રાણીઓ દ્વારા ગરમીમાં ખોરાક ઓછો કરી દેવામાં આવ્યો છે. જેમાં દિવસનુ એક કીલો માંસ ઓછુ આપવામાં આવે છે. તૃણાહારી પ્રાણીઓને પાવડર સ્વરૂપમાં એન્ટી હિટ સ્ટ્રેસ આપવામાં આવી રહ્યા છે. જ્યારે પાંજરામાં સીધો તડકો ના જાય તેનુ ધ્યાન રાખવામાં કર્મચારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે.