
કોરોના સંકટઃ દેશમાં આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઈન વોરિયર્સને બુસ્ટર ડોઝની શરૂઆત
દિલ્હીઃ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો વધતો ખતરો અને પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદ આજથી દેશમાં કોરોના વોરિયર્સ અને 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોના વેક્સીનનો આ ત્રીજો ડોઝ બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને 25 ડિસેમ્બરના રોજ બુસ્ટર ડોઝની જાહેરાત કરી હતી. આ ત્રીજો ડોઝ હાલ આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઈન વર્કર્સ તથા ગંભીર બીમારીથી પીડિત સિનિયર સીટિઝનને આપવામાં આવશે.
કેન્દ્ર આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આજથી દેશમાં એક કરોડ આરોગ્ય કર્મચારી, 3 કરોડ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને 2.75 કરોડ વિવિધ બીમારીથી પીડિત સિનિયર સિટીઝન નાગરિકોને કોરોનાનો બુસ્ટર ડોઝ આપીને સુરક્ષિત કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બુસ્ટર ડોઝ માટે કોઈ પણ પ્રકારની નોંધણી કરાવવાની જરૂર નથી. જૂની નોંધણી અનુસાર જ તેમને કોરોના રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે. રસીકરણ માટે જે તે વ્યક્તિને સીધા રસીકરણ કેન્દ્ર જશે. જ્યાં તેમને રસી આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. જે લોકોને કોરોના રસીનો બીજો ડોઝ બાકી છે તેમને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત 15થી 18 વર્ષના કિશોરોને પણ મોટા પાયે રસી આપીને સુરક્ષિત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 150 કરોડથી વધારે કોરોનાના ડોઝ આપવામાં આવ્યાં છે.