
કોરોના સંકટઃ સુરતમાં માસ્ક પહેરનારા વાહન ચાલકોને ફુલ આપીને સન્માન કરાયું
અમદાવાદ: ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક અને સામાજીક અંતર લોકોના જીવનનો અંગ બની ગયો છે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સરકાર તથા વિવિધ સંસ્થાઓ દ્વારા સતત અપીલ કરવામાં આવી હતી. દરમિયાન સુરતમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માસ્ક પહેરનારા વાહન ચાલકોને એક સંસ્થાએ ફુલ આપીને સન્માન કર્યું હતું. એટલું જ નહીં માસ્ક નહીં પહેરનારાઓને માસ્ક પહેરવા માટે જાગૃતિ ફેલાવી હતી.
‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી, સુરત દ્વારા આરટીઓ પાલ કચેરી પાસે પાલ-ઉમરાબ્રિજના સર્કલ ઉપર રોડ સેફ્ટી અને ટ્રાફિક જનજાગૃત્તિ અભિયાન યોજી માસ્ક પહેરેલા વાહનચાલકોનું ફૂલ આપી સન્માન કરાયું હતું. ટ્રાફિકના નિયમો ન પાળતા અને માસ્ક ન પહેરતા લોકોને કોરોનાની ગંભીરતા સમજાવી જાગૃત કરાયા હતા. સંસ્થાના પ્રમુખ બ્રિજેશ વર્માના હસ્તે વાહનચાલકોને રોડ સેફ્ટી પેમ્પ્લેટ વિતરણ કરાયું હતું. આ અભિયાનમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ વિભાગના મદદનીશ પોલીસ કમિશનર એમ.એચ.ઠાકર, અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.જી.ખરાડી, ઈ.આરટીઓશ્રી હાર્દિક પટેલ તથા અન્ય મોટરવાહક નિરીક્ષક અને સહાયક હાજર રહ્યા હતા. સંસ્થાના સહાયક રાજુભાઈ શાહ, રોનકબેન ધ્રુવ, આર્યન વર્મા, બેલાબેન સોની, મુકેશ પટેલ, ગિરીશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.