
અમદાવાદઃ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થયો છે. દરમિયાન ડાંગના સાપુતારામાં આવતા પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. જો કે, તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવી હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી તરફ સુરત શહેરમાં પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ વિના બહારથી આવતી વ્યક્તિને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગના સાપુતારામાં પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવાયો છે. શિરડી અને નાસિક ગયેલા અનેક પ્રવાસીઓ પાસે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ ન હોવાથી તેમને પરત મોકલાયા છે. જોકે અહીં આરોગ્ય તંત્રની પણ બેદરકારી સામે આવી છે. સાપુતારા ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગે RT-PCR ટેસ્ટની કોઈ જ વ્યવસ્થા ઉભી નહીં કરી હોવાની ફરિયાદો ઉઠી છે. શનિવાર અને રવિવાર તથા હોળી-ધૂળેટીના તહેવારને લઈમે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા આવી રહ્યાં છે. જો કે, કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો હોવાથી અનેક પ્રવાસીઓ અટવાયા હતા. તેમજ ટેસ્ટ માટે યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી પ્રવાસીઓમાં રોષ ફેલાયો છે.
સુરતમાં કોરોના વાયરસના કેસ તેજ ગતિએ વધી રહ્યાં છે. જેથી તંત્ર વધારે એલર્ટ બન્યું છે. તેમજ બહારથી આવતા લોકોના કોરોના રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યાં છે. રિપોર્ટ નેગેટિવ આવે તો જ પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ કોરોના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે બેટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમજ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું સતત પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના ટેસ્ટીંગ પણ વધારી દેવામાં આવ્યું છે.