
રાજકોટમાં કોરોના ટેસ્ટીંગ વધુ તેજ કરાયું : બે લાખ કિટ્સનો ઓર્ડર અપાયો
રાજકોટઃ શહેરની મહાનગરપાલિકાએ શહેરમાં કોરોનાના ટેસ્ટ વધારતા હવે કિટ્સ ખલાસ થઈ જતાં તાત્કાલિક અસરથી વધુ બે લાખ એન્ટીજન ટેસ્ટ કિટ મોકલવા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે ઓર્ડર આપ્યો હોવાનું જાણવા મળે છે. શહેરમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા વધારીને પ્રતિ દિવસના 12000 સુધી પહોંચાડવામાં આવી છે. કોરોનાની પ્રથમ લહેર વેળાએ શરૂ કરાયેલો હોમ કવોરેન્ટાઈન કંટ્રોલ રૂમ ફરી ધમધમી ઉઠયો છે.
રાજકોટના મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરમાં ટેસ્ટિંગ સતત વધારવામાં આવી રહ્યા છે. તા.11ના રોજ 11810 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દિવસે દિવસે ટેસ્ટની સંખ્યા વધી રહી છે લોકો સ્વયંભૂ ટેસ્ટ કરાવવા માટે આગળ આવી રહ્યા છે. તદઉપરાંત કોરોના પેશન્ટ મળે કે તુરંત જ તેના પરિવારજનો તદઉપરાંત તેના પાડોશીઓ તેમજ સંપર્કમાં આવેલા તમામ પણ શકય હોય ત્યાં સુધી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેના લીધે એન્ટીજન ટેસ્ટ કિટ ખલાસ થવાની તૈયારીમાં છે પરંતુ કોઈપણ સંજોગોમાં ટેસ્ટ બંધ નહીં કરાય.
આગામી દિવસોમાં હજુ ટેસ્ટ વધારવાનું આયોજન હોય બે લાખ ટેસ્ટ કિટનો ઓર્ડર આપવામાં આવ્યો છે જે ટૂંક સમયમાં રાજકોટને મળી જશે. ટેસ્ટિંગમાં 104ને સૌથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે કારણ કે, 104ના માધ્યમથી ઘરેબેઠા ટેસ્ટ થઈ શકે છે. જાહેર ટેસ્ટ બુથ પર પણ લોકો કતારો લગાવી રહ્યા છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ હોય નાગરિકો ત્યાં આગળ પણ બહોળી સંખ્યામાં ટેસ્ટ કરાવી રહ્યા છે તેમ કમિશનરે ઉમેર્યુ હતું