
કોરોના રસીકરણ અભિયાનઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધો રસીનો પ્રથમ ડોઝ
અમદાવાદઃ હાલ કોરોના રસીકરણ અભિયાન ગુજરાતમાં ચાલી રહ્યું છે. 60 વર્ષથી વધુની ઉંમરના તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સામાન્ય નાગરિકની જેમ આજે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં તા. 1લી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈને રસીકરણનો આરંભ કરાવ્યો હતો. જે બાદ સામાન્ય નાગરિકોની સાથે રાજકીય આગેવાનો પણ કોરોનાની રસી લઈ રહ્યાં છે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, નાણામંત્રી નિર્મલા સીતારમણ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના રાજકીય આગેવાનોએ પણ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી તથા અન્ય આગેવાનોએ પણ સામાન્ય નાગરિકની જેમ કોરોનાની રસી લીધી હતી. દરમિયાન આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને તેમના પત્ની કોરોનાની રસી લેવા માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ગયા હતા. જ્યાં તેમણે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમજ તેમણે રાજ્યની જનતાને કોરોનાની રસી લેવા માટે અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જનતાને કોરોનાની રસી મળી રહે તે માટે સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની રસીકરણનો આરંભ કરાવ્યો છે. સરકારી હોસ્પિટલોમાં કોરોનાની રસી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં રૂ. 250માં રસીનો ડોઝ આપવામાં આવે છે. તમામ લોકોને કોરોનાની રસીકરણનો લાભ મળી શકે તે માટે સરકારે આર્થિક રીતે સધ્ધર લોકોને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની રસી લેવા માટે અપીલ કરવામાં આવી હતી.