
કોરોના વાયરસઃ અમદાવાદમાં ફરી ટેસ્ટ કેમ્પ શરૂ કરાયાં
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ રાજ્યભરમાં કોરોનાની રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. જો કે, દેશના અન્ય રાજ્યોમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા અમદાવાદ કોર્પોરેશન તંત્ર સતર્ક બન્યું છે. તેમજ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે વિવિધ વિસ્તારમાં ફરીથી ટેસ્ટ કેમ્પ શરૂ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યું છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. જેથી ચૂંટણી બાદ ફરીથી કોરોના કેસમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. અમદાવાદમાં કેસ વધવાની શકયદતાને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારમાં ટેસ્ટ કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. શહેરના સાત ઝોનમાંથી ચાર ઝોનમાં 25થી વધુ ટેન્ટ ઉભા કરવામાં આવ્યાં છે. શહેરના જોધપુર, પ્રહલાદનગર ચાર રસ્તા, મણિનગર રેલવે સ્ટેશન પાસે ટેન્ટ શરૂ કરવામાં આવ્યા છે. મણિનગર રેલવે સ્ટેશન પાસે સવારે 23 રિપોર્ટ થયા હતા જેમાં 1 પોઝિટિવ આવતા દર્દીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં ફરીથી કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે કેટલાક વિસ્તારમાં સેનેટાઈઝીંગ પણ શરૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. જો કે, ફરીથી સંક્રમણ વધારે ન ફેલાય તે માટે તંત્ર હરકતમાં આવ્યું છે.