
- યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ અન લાઈબ્રેરી બંધ કરાઈ
- સુરક્ષાના ભાગરૂપે હાલ પૂરતી તમામ પરીક્ષાઓ સ્થગિત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડી રહી છે. કોરોના સંક્રમણને પગલે સરકારી ભરતીની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમજ ગુજરાત યુનિવર્સિટીએ પણ તા. 12મી એપ્રિલથી 23મી એપ્રિલ સુધીની પરીક્ષાઓ મોકુફ રાખી હતી. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ તા. 15મી એપ્રિલથી શરૂ થતી પરીક્ષા મોકુફ રાખી હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તારીખ 15મી એપ્રિલથી શરૂ થનારી રીપીટર સેમ-1 થી 6ની પરીક્ષા મોકૂફ રાખી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિના જણાવ્યા અનુસાર કોરોનાનું સંક્રમણ વધતા સુરક્ષાના ભાગરૂપે હાલ પૂરતી તમામ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. તેમજ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં લાઈબ્રેરી પણ બંધ કરવામાં આવી છે જો કે જે વિદ્યાર્થીઓને પુસ્તક બદલવાના હશે તે પુસ્તક બદલી શકશે. આ ઉપરાંત હવે વોક વે પણ અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. વર્ષ 2016 પહેલાના નાપાસ વિદ્યાર્થીઓની સંભવત પરીક્ષા આગામી તા. 15 એપ્રિલથી પરીક્ષા લેવાનું જાહેર કરવામાં આવ્યું હતું જો કે હવે કોરોનાનાં કેસો વધતા આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા. 12મી એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ મોકુફ રાખવાની ગઈકાલે જાહેરાત કરી હતી. હાલ અમદાવાદ સહિતના આઠ શહેરોમાં સ્કેલ-કોલેજોમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે.