
ઉત્તરપ્રદેશમાં કોરોનાવાયરસની અસર: અયોધ્યામાં નહીં યોજાય રામનવમીનો મેળો
- ઉત્તરપ્રદેશમાં કોરોનાની અસર
- રામનવમીનો મેળો નહી યોજાય
- સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
અયોધ્યા: ઉત્તરપ્રદેશ પ્રશાસન દ્વારા રાજ્યમાં કોરોનાવાયરસના વધતા કેસને લઈને રામનવમીના મેળાના આયોજનને રોકી દેવામાં આવ્યું છે. રામનવમીના મેળાની અયોધ્યામાં દર વર્ષે જોરશોરથી ઉજવણી કરવામાં આવે છે અને આ વખતે કોરોનાવાયરસના જાનલેવા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અયોધ્યામાં રામમંદિરના નિર્માણ બાદ આ વખતે વધારે ભીડ ભેગી થવાની સંભાવના હતી અને વધારે કોરોનાવાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે પગલા લેવામાં આવ્યા છે.
દેશભરમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. સરકાર તથા સામાન્ય પબ્લિક માટે જોખમી રીતે વધતો કોરોના ચિંતાનો વિષય બની રહ્યો છે. આવા સમયમાં ઉત્તરપ્રદેશ પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ દેશમાં મહારાષ્ટ્ર, દિલ્લી, ઉત્તરપ્રદેશ સહીત અન્ય કેટલાક રાજ્યોમાં પણ કોરોનાવાયરસનું ભારે સંક્રમણ જોવા મળ્યું છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાવાયરસના કેસની સંખ્યા લાખોમાં જોવા મળી રહી છે અને તેને ડામવા માટે સરકાર તમામ પ્રયાસો પણ કરી રહી છે.
મહત્વનું છે કે, દેશના કેટલાક રાજ્યો કોરોનાવાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન પણ કરી રહ્યા છે. જાણકારો અનુસાર કોરોનાવાયરસના સંક્રમણને તકેદારી રાખીને જ રોકી શકાય તેમ છે. કોઈ પણ વ્યક્તિની બેદરકારી અને કોરોના ગાઈડલાઈનનો ભંગ, તે કોરોનાવાયરસ સંક્રમણ વધારવા માટે જવાબદાર સાબિત થઈ શકે છે.
દેવાંશી