Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.માં નોકરી માટેના નકલી ઓફર લેટર આપી કૌભાંડ કરતા દંપત્તિની ધરપકડ

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપીને ફેક ઓફર લેટર આપીને રૂપિયા પડાવતા દંપત્તીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.  આ કેસમાં બંને પતિ-પત્ની અલગ-અલગ વોર્ડમાં નોકરી અપાવવાના નામે લોકોની પાસેથી પૈસા પડાવતા હતા. કુલ 82 લાખ રૂપિયા જેટલી છેતરપિંડી કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. આરોપી પતિ-પત્નીને કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના રિમાન્ડ આપતા પોલીસ દ્વારા વધુ પૂછતાછ કરવામાં આવી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના કહેવા મુજબ  ઠગ પતિ-પત્ની દ્વારા શહેરના પાલડી વિસ્તારમાં રહેતી સ્નેહલત્તાબેન રામી અને અન્ય લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવાની લાલચ આપવામાં આવી હતી. વટવા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર વિઠલાપરા અને તેની પત્ની અમીષાબેન વિઠલાપરાએ પોતાની ઓળખ હેડ ઓફિસર હિમાંશુ શુક્લા અને દિનેશભાઈ દુલરા તરીકે આપીને લોકોને ઠગ્યા હતા. તેમણે નોકરીના બહાને લોકો પાસેથી મોટી રકમ વસૂલીને ખોટા ઓફર લેટર, કાયમી નિમણૂક પત્રો અને બદલીના હુકમો આપી છેતરપિંડીને અંજામ આપ્યો હતો. બંને પતિ-પત્નીએ  મ્યુનિ. કોર્પોરેશનમાં અલગ-અલગ વોર્ડમાં નોકરી અપાવવાના ભાગરૂપે ફરિયાદી સ્નેહલતાબેન પાસેથી 21.74 લાખ રૂપિયા અને અન્ય પાસેથી વિવિધ રકમો મેળવી કુલ 82.24 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે મામલે તપાસ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાના બહાને કોઈપણ નાગરિક સાથે આ બંને પતિ પત્નીએ છેતરપિંડી કરી હોય તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.