નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2008ના મુંબઈ આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “મુંબઈ ભારતની આર્થિક રાજધાની છે અને વિશ્વના સૌથી જીવંત શહેરોમાંનું એક છે. તેથી જ 2008માં આતંકવાદીઓએ મુંબઈને નિશાન બનાવ્યું હતું, પરંતુ તે સમયે સત્તામાં રહેલી કોંગ્રેસ સરકારે આતંકવાદ સામે ઘુટના ટેકવ્યા હતા આમ નબળાઈનો સંદેશ આપ્યો હતો.”
મોદીએ આગળ જણાવ્યું કે, “હાલમાં કોંગ્રેસના એક મોટા નેતા, જે તે સમયના ગૃહમંત્રી હતા, તેમણે ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે, 2008ના હુમલા બાદ ભારતીય સેના પાકિસ્તાન પર કાર્યવાહી કરવા તૈયાર હતી. આખો દેશ પણ એ જ ઈચ્છતો હતો. પરંતુ વિદેશી દબાણ હેઠળ કોંગ્રેસ સરકારે સેનાને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો ન હતો.”
પ્રધાનમંત્રીએ કોંગ્રેસને સવાલ કર્યો કે, “એ કોણ હતું જેણે વિદેશી દબાણમાં આવીને એવો નિર્ણય લીધો? એ લોકોએ મુંબઈ અને દેશની લાગણીઓ સાથે રમત રમી છે.” મોદીએ વધુમાં જણાવ્યું કે, “અમારા માટે દેશ અને દેશવાસીઓની સુરક્ષા સર્વોપરી છે. આજનું ભારત ઘરમાં ઘૂસીને જવાબ આપે છે. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન દુનિયાએ એ જોયું છે.”
પ્રધાનમંત્રી મોદીએ આજે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, “મુંબઈનો લાંબો ઈંતેજાર આજે પૂરો થયો છે. હવે મુંબઈને પોતાનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું છે. આ એરપોર્ટ પશ્ચિમ ભારતને એશિયાના સૌથી મોટા કનેક્ટિવિટી હબ તરીકે સ્થાપિત કરશે.” મોદીએ કહ્યું કે, “આ નવા એરપોર્ટથી મહારાષ્ટ્રના ખેડૂતોને યુરોપ અને પશ્ચિમ એશિયાના સુપરમાર્કેટ સાથે સીધો સંપર્ક મળશે, જે તેમના માટે નવા અવસર ખોલશે.”