
- આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા
- પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડની કવાયત શરૂ કરી
- ચાર કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરાયો
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના તમામ દેશો હાલ કોરોના મહામારી સામે લાંબી લડાઈ રહ્યાં છે. કોવિડ-19ને નાથવા માટે રસી જ એકમાત્ર રામબાણ ઈલાજ છે. દરમિયાન કેટલાક શખ્સો કમાવી લેવા માટે લોકોના જીવ જોખમમાં મુકતા અચકાતા નથી. ઉત્તરપ્રદેશના વારાણસીમાં કોવિડ-19ની બોગસ રસી અને બોગસ કોવિડ ટેસ્ટીંગ કિટનો જથ્થો ઝડપાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આરોપી નકલી વેક્સિન અને ટેસ્ટીંગ કિટ દેશના અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતી હતી. પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લઈને રૂ. 4 કરોડની કિંમતની નકલી રસી અને કિટનો જથ્થો મળી આવ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર નકલી કોવિશીલ્ડ અને zycod d રસીનો જથ્થા સાથે નકલી કોવિડ ટેસ્ટીંગ કીટ બનાવવામાં આવતી હોવાની બાતમી મળતા એસટીએફની ટીમે દરોડા પડ્યાં હતા. પોલીસ સ્થળ પરથી રાકેશ થવાની, સંદીપ શર્મા, લક્ષ્ય જાવા, શમશેર અને અરૂણેશ વિશ્વકર્માની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી નકલી ટેસ્ટીંગ કીટ, નકલી વેક્સિન, પેકિંગ મશીન, ખાલી બોટલ, સ્ટીકરનો જથ્થો જપ્ત કરાયો હતો. રાકેશ થવાનીએ જણાવ્યું હતું કે, નકલી રસીની સાથે બોગસ ટેસ્ટીંગ કીટ બનાવવામાં આવતી હતી અને અલગ-અલગ રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતી હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી હતી. પોલીસની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત આરંભી છે.