
દિલ્હીઃ કોવિડ -19 રસીકરણ અભિયાન એક જન આંદોલન બનવું જોઈએ. કોરોના સામેની લડાઈમાં રસી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. તેમ હૈદરાબાદમાં સ્વર્ણ ભારત ટ્રસ્ટ દ્વારા ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ અને મેડિસિટી હોસ્પિટલ્સના સહયોગથી આયોજિત મફત રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરતા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રસીકરણ માટે લાયક દરેક નાગરિકે રસીની જરૂરી માત્રા લેવી તેને પોતાની ફરજ માનવી જોઈએ. 6 સપ્ટેમ્બર, 2021 સુધી દેશમાં 71 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે રસીનો ઓછામાં ઓછો એક ડોઝ 50 ટકાથી વધુ લોકોને આપવામાં આવ્યો છે. જ્યાં સુધી દરેક નાગરિકને રસી આપવામાં ન આવે ત્યાં સુધી રસીકરણ મિશને તેની ગતિ ગુમાવવી જોઈએ નહીં.
ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે એવા સમયે જ્યારે વિકસિત દેશો પણ રોગચાળાનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારતે માત્ર સ્વદેશી રીતે સફળતાપૂર્વક રસીઓનું ઉત્પાદન કર્યું નથી, પરંતુ તે વિશ્વનો સૌથી મોટો મફત રોગપ્રતિકારક કાર્યક્રમ પણ ચલાવી રહ્યું છે. આ ઉપરાંત, ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના સાથે ભારતે સમગ્ર વિશ્વમાં રસીઓની નિકાસ કરી છે.
તેમણે લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે યોગની પ્રેક્ટિસ, શારીરિક તંદુરસ્તી જાળવવા અને તંદુરસ્ત આહાર જેવી તંદુરસ્ત જીવનશૈલીના વિકલ્પો અપનાવવાનું સૂચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિના પત્નિ ઉષા નાયડુ, ભારત બાયોટેક લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા એલા, ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એન. મુકેશ કુમાર અને સ્વર્ણ ભારત ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ. કામિનેની શ્રીનિવાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.