1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોબરધન અર્થવ્યવસ્થા અને ભૂમિ સંરક્ષણ દેશી ગાયના સંવર્ધન થકી જ શક્ય બનશેઃ રૂપાલા
ગોબરધન અર્થવ્યવસ્થા અને ભૂમિ સંરક્ષણ દેશી ગાયના સંવર્ધન થકી જ શક્ય બનશેઃ રૂપાલા

ગોબરધન અર્થવ્યવસ્થા અને ભૂમિ સંરક્ષણ દેશી ગાયના સંવર્ધન થકી જ શક્ય બનશેઃ રૂપાલા

0

અમદાવાદઃ મત્સ્ય અને પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દેશના સૌ પ્રથમ ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન – ‘‘ગૌ-ટેક ૨૦૨૩’’નો શુભારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “દૂધની જેમ ગોબર આધારિત ઈકોનોમી-ગોબરધન ઈકોનોમી વિકસી રહી છે. ગોબરધન અર્થવ્યવસ્થા અને ભૂમિ સંરક્ષણ દેશી ગાયના સંવર્ધન થકી જ શક્ય બનશે. સમગ્ર દુનિયામાં ધરતીની ફળદ્રુપતા ઘટી રહી છે,ત્યારે તેનું નિરાકરણ દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર થકી જ શક્ય બનશે. સમગ્ર ધરતીને ફરીથી ઊર્જાવાન બનાવવા માટે દેશી ગાયના શરણે આવવું જ પડશે”. આ તકે કેન્દ્રીય મંત્રીએ ગૌ આધારિત પ્રોડક્ટના ઓનલાઈન સેલિંગ માટેના પોર્ટલ જી.સી.સી.આઈ. સ્ટોરનું પણ રિમોટથી વિમોચન કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કૃષિપ્રધાન દેશ ભારતમાં ઘઉં, ચોખા, મકાઈનું પૂરતું ઉત્પાદન થાય છે અને તેની નિકાસ પણ થાય છે. દેશમાં ઉત્પાદિત થતા ઘઉં, ચોખા, મકાઈના કુલ મૂલ્ય કરતાં દૂધનું મૂલ્ય વધારે છે. દેશમાં નવ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે.” “રાજકોટમાં એક સમયે ખેતી માટે વિવિધ એન્જિન બનતા હતા. ત્યારે રાજકોટમાં આયોજિત ગૌ-ટેકથી પ્રાકૃતિક કૃષિ ક્રાંતિનો પાયો નંખાઈ રહ્યો છે”.

તેમણે કહ્યું હતું કે, “ગાયના દૂધની સાથે હવે ગો-મૂત્ર અને ગોબરનું પણ ખરીદ અને વેચાણ થવા લાગ્યું છે. આમ ગાય આજીવન આવક આવતું પ્રાણી બની છે. સમગ્ર સચરાચરમાં ગાય એકમાત્ર એવું પ્રાણી છે, જેના મળ-મૂત્ર પવિત્ર છે, એ સાંસ્કૃતિક માન્યતા સાથે હવે તેને વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ કરવાનો સમય આવી ગયો છે.”

જી.સી.સી. આઈ.ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મ નિર્ભર ભારત, મેઈક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા તેમજ આત્મનિર્ભર ગૌશાળા પર ભાર મુકી રહ્યા છે, ત્યારે ગૌ-ટેક આ તમામને સંયુકત રીતે સાકાર કરતો અનોખો એક્સ્પો છે. સમગ્ર દેશમાં અનેક લોકો ગૌ આધારિત ઉત્પાદનોનું છૂટક છૂટક વેચાણ-સંસોધન કરતા હતા. તેને આ એક્સ્પો અંતર્ગત એકમંચ પર લાવવામાં આવ્યા છે.”

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, “નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં ગાયના રક્ષણ માટે ગૌવંશ હત્યા વિરોધી કાયદો લાવ્યા હતા. જેમાં આકરી સજાની જોગવાઈઓ કરાઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, “આ એક અનોખો એક્સ્પો છે. ગાય એ માત્ર સાંસ્કૃતિક કે ધાર્મિક દ્રષ્ટિએ જ આપણી માતા નથી પણ આર્થિક ઉપાર્જન કરીને આપણું જતન કરનારી માતા છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published.