
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ મદરસા એજ્યુકેશન એક્ટને રદ્દ કરનારા અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મદરસા સંચાલકો તરફથી દાખલ અરજી પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મદરસા એક્ટને એમ કહીને નકાર્યો હતો કે તે ગેરબંધારણીય અને સેક્યુલારિઝ્મની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાનીવાળી ત્રણ જજોની ખંડપઠે આ મામલામાં કેન્દ્ર સરકાર અને યુપી સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ આ ખંડપીઠમાં સામેલ હતા.
ખંડપીઠે કહ્યું છે કે મદરસા બોર્ડનો ઉદેશ્ય નિયામક છે. અલ્હાબાદ હાઈકોર્ટનું એમ કહેવું પહેલી નજરમાં ઠીક નથી કે મદરસા એજ્યુકેશન બોર્ડની રચના સેક્યુલારિઝમની વિરુદ્ધ છે. મહત્વપૂર્ણ છે કે ગત સપ્તાહે જ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે યુપી સરકારને આદેશ આપ્યો હતો કે તેઓ મદરસાના વિદ્યાર્થીઓને સામાન્ય સ્કૂલોમાં ટ્રાન્સફર કરે અને તેમનું નામાંકન કરાવે. અલ્હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે સરકારની પાસે એ પાવર નથી કે તે ધાર્મિક શિક્ષણ માટે બોર્ડની રચના કરે. તેના સિવાય સરકાર સ્કૂલી શિક્ષણ માટે કોઈ એવું બોર્ડ પણ ગઠિત કરી શકતી નથી, જેના હેઠળ કોઈ ખાસ મજહબ અને તેના મૂલ્યોનું જ શિક્ષણ આપવામાં આવતું હોય.
હાઈકોર્ટના આ નિર્ણયની વિરુદ્ધ મદરસા અજીજિયા ઈજાજુતૂલ ઉલૂમના મેનેજર અંજુમ કાદરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પહેલા 22 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે યુપી મદરસા એક્ટ 2004ને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કર્યો હતો. તેના પછી યુપીમાં સંચાલિત થઈ રહેલી 16 હજાર મદરસાઓની માન્યતા યુપીની યોગી આદિત્યનાથની સરકારે રદ્દ કરી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે મદરસા સંચાલકોને મોટી રાહત આપી છે. ઉલ્લેખનીય છે કે મદરસાઓની ફંડિંગના સવાલ પણ વખતોવખત ઉઠી રહ્યા છે.