Homeગુજરાતીક્રૂડ ઓઈલમાં ફરી ભડકો: હોર્મુઝની કટોકટી અને સપ્લાય ખોરવાતા બ્રેન્ટ ક્રૂડ 97...

ક્રૂડ ઓઈલમાં ફરી ભડકો: હોર્મુઝની કટોકટી અને સપ્લાય ખોરવાતા બ્રેન્ટ ક્રૂડ 97 ડોલરને પાર

નવી દિલ્હી, 10 એપ્રિલ 2026: વૈશ્વિક બજારમાં તેલના પુરવઠાને લઈને સર્જાયેલી અનિશ્ચિતતા અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે શુક્રવારે કચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતોમાં ફરી તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ (સીઝફાયર) છતાં સાઉદી અરેબિયાના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા અને હોર્મુઝની ખાડીમાં સપ્લાય અટકાવાતા રોકાણકારોમાં ચિંતા વધી છે.

આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.13 ટકા વધીને 97.01 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. તેવી જ રીતે, WTI ક્રૂડ 1.39 ટકા વધીને 99.24 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. નોંધનીય છે કે ગત બુધવારે કિંમતોમાં 20 ટકાનો કડાકો બોલાતા તે 100 ડોલરની નીચે સરક્યું હતું, જે 28 ફેબ્રુઆરીથી આ જ સ્તરની આસપાસ જળવાયેલું છે. ભારતમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 20 એપ્રિલની ડિલિવરી વાળો ક્રૂડ ઓઈલ વાયદો સવારે 11:07 વાગ્યે રૂ. 217 એટલે કે 2.43 ટકા વધીને રૂ. 9,150 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો હતો.

તેલની કિંમતોમાં આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દીધી છે, જેનાથી વૈશ્વિક તેલ પુરવઠો ગંભીર રીતે પ્રભાવિત થયો છે. ગુરુવારે આ દરિયાઈ માર્ગે શિપિંગ પ્રવૃત્તિ સામાન્ય સ્તરના માત્ર 10 ટકાથી પણ ઓછી જોવા મળી હતી. શિપિંગ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે તેઓ યુદ્ધવિરામની શરતો વધુ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આ માર્ગ પર જહાજો મોકલવાનું જોખમ લેવા તૈયાર નથી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો સીઝફાયરની શરતોનું પાલન નહીં થાય તો મોટા પાયે લશ્કરી કાર્યવાહી થઈ શકે છે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે આવી સ્થિતિની શક્યતા ઓછી છે. તેમણે ફરી ભારપૂર્વક કહ્યું કે ઈરાનને પરમાણુ હથિયારો રાખવા દેવામાં આવશે નહીં અને હોર્મુઝની ખાડીને સુરક્ષિત રાખવા માટે અમેરિકી સેના સજ્જ છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) ના જણાવ્યા અનુસાર, નજીકના ભવિષ્યમાં તેલની કિંમતો ઊંચી સપાટીએ જળવાઈ રહી શકે છે. જો ભૌગોલિક રાજકીય તણાવ અને યુદ્ધની સ્થિતિમાં નરમાશ આવશે, તો જ કિંમતોમાં ધીમે ધીમે સ્થિરતા આવવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ સોના-ચાંદીના ભાવમાં કડાકો: સોનું રૂ. 1.52 લાખ અને ચાંદી રૂ. 2.42 લાખની સપાટીએ

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular