
વાવાઝોડાએ કચ્છના વેપાર-વણજને કરોડોનું નુકશાન પહોચાડ્યું, રાહત-પેકેજ આપવા ચેમ્બર્સની માગ
ભૂજઃ બિપરજોય વાવાઝોડાએ કચ્છને સૌથી વધુ નુકશાન કર્યુ છે. સરકાર દ્વારા હાલ નુકસાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સે વેપાર-ઉદ્યોગને 5000 કરોડનું નુકસાન થયું હોવાથી રાહત પેકેજ આપવાની માગ કરી છે.
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રીને પત્ર લખીને વ્યાપક નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરવા કરી અપીલ કરી છે. બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છભરમાં વ્યાપક નુકસાની થવા પામી હોવાનો ચિત્તાર આપતા જણાવ્યું હતું. કે, અંદાજે 5000 કરોડનું નુકસાન વેપાર ઉદ્યોગોને થયું છે. જેનો ચોક્કસ આંકડો તો વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થયા બાદ જ આવી શકશે, પરંતુ તે માટે હાલ છૂટછાટો સાથે રાહત પેકેજની ઘોષણા કરાય તો ઉદ્યોગો જલદી બેઠા થઈ શકે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી.
ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજા કાનગડએ એવી રજુઆત કરી છે. કે, કચ્છ જિલ્લો મોટી દરિયાઈ પટ્ટી તેમજ બે મહાબંદર ધરાવતો વિસ્તાર હોવાના કારણે રાજ્યનો સમૃદ્ધ ઉદ્યોગિક વિસ્તાર ગણાય છે અને કચ્છ અગાઉ દુષ્કાળ તેમજ ભૂકંપની બેવડી મારમાંથી પસાર થઈ ચૂકેલો જિલ્લો છે. 2001ના વિનાશકારી ભૂકંપ બાદ હાલના વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ ટેક્સ હોલીડે જાહેર થતાં અહીં અનેક ઉદ્યોગો સ્થપાયા અને નવસર્જન થયું. જેના કારણે રોજગાર ધંધાથી ધમધમતા થયા હતા. વાવાઝોડાથી, કુદરતી આફતથી કૃષિ સાથે ઉદ્યોગોમાં પણ ઇન્ડસ્ટ્રીયલ શેડ અને મશીનરીને ભારે નુકસાની થતા પુનઃવ્યવસ્થાઓ ગોઠવવામાં લાંબો સમય જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સાથે સાથે ઉદ્યોગોમાં કામ કરતા મજુર વર્ગને કામ પર આવવા સમય લાગી શકે છે. જે અનુસાર પ્રાથમિક અંદાજ મુજબ 5000 કરોડથી વધારેનું નુકસાન થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે ચેમ્બર દ્વારા સમગ્ર ઉદ્યોગ જગતના નાના-મોટા મહાકાય ઉદ્યોગો તેમજ વેપારીઓને તેમને થયેલી નુકસાનીનો અંદાજ કાઢી અપેક્ષિત આંકડા તેમના એસોસિએશન મારફત ગાંધીધામ ચેમ્બરને રજૂ કરવા અપીલ કરાઈ છે.