Site icon Revoi.in

અંબાજી મંદિરના પરિસરમાં આંધ્રપ્રદેશની નૃત્યાંગનાઓએ કૂચીપુડી નૃત્ય કર્યું

Social Share

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રવિવારે ભક્તિમય માહોલ સર્જાયો હતો. મંદિરના પરિસરમાં આંધ્ર પ્રદેશની વંદના ડાન્સ એકેડમીના કલાકારોએ એક મનમોહક નૃત્ય કર્યુ હતું. કલાકારોએ તેમની વિવિધ નૃત્ય કૃતિઓ દ્વારા માતાજીનાં અલગ અલગ સ્વરૂપોનું સુંદર નિરૂપણ કર્યું હતું. આ પ્રસ્તુતિમાં નૃત્યના માધ્યમથી રાક્ષસનો વધ કરતી એક સુંદર નાટિકા પણ રજૂ કરવામાં આવી હતી, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ચાચર ચોકમાં એકઠા થયા હતા. આ અદ્ભુત પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગઈકાલે રવિવારની જાહેર રજા હોવાને લીધે માતાજીના દર્શન માટે ભાવિકોનો ભારે ભીડ હતી. ત્યારે મંદિરના પરિસરમાં આંધ્ર પ્રદેશની વંદના ડાન્સ એકેડમીના કલાકારોએ એક મનમોહક નૃત્ય કરીને દર્શનાર્થીઓને ભાવ-વિભોર કરી દીધા હતા. મહિસાસુર મર્દિની સ્તોત્ર પર કુચીપુડી નૃત્યમાં કાલિકા માતા બની પરફોર્મ કરનાર સાઈ મૈત્રીએ જણાવ્યું હતું કે, મને ખૂબ જ આનંદ થાય છે. હું નાનપણથી જ માતાજીની ભક્ત છું અને મને તેમના પર ખૂબ શ્રદ્ધા છે. મેં માતાજીનું રૂપ ધારણ કરીને નૃત્ય કર્યું છે અને મને ખૂબ જ આનંદની લાગણી થઈ રહી છે. મેં આ કળા વંદના ડાન્સ એકેડમીમાંથી શીખી છે.

આંધ્રપ્રદેશની વંદના ડાન્સ એકેડમીની સંચાલિકા વંદનાએ જણાવ્યું હતું કે, અમે આંધ્રપ્રદેશથી આવ્યા છીએ. અમારી સાથે 50 વિદ્યાર્થિનીઓ આવ્યા છે. અમે અહીંયા અંબાજી માતાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ. અમે દર વર્ષે અહીં આવીએ છીએ. અમને અહીંયા ખૂબ જ આનંદ આવે છે. અહીંના લોકોનો ખૂબ જ સારો સહકાર મળે છે. અમે અહીંયા માતાજીના ગરબા રમીએ છીએ અને ખૂબ જ આનંદ કરીએ છીએ. અમને અહીંયા આવીને એવું લાગે છે કે જાણે અમે અમારા ઘરે જ છીએ. અમે અહીંયા ખૂબ જ શ્રદ્ધાથી આવીએ છીએ અને માતાજીના દર્શન કરીને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. કલાકારોએ વિવિધ નૃત્ય કૃતિઓ દ્વારા માતાજીના અલગ અલગ રૂપોનું નિરૂપણ કર્યું હતું. આ પ્રસ્તુતિમાં નૃત્યના માધ્યમથી રાક્ષસનો વધ કરતી એક સુંદર નાટિકા પણ રજૂ કરવામાં આવી હતી, જેને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ચાચર ચોકમાં એકઠા થયા હતા.

અંબાજી મંદિરમાં આ પ્રસ્તુતિ આપનાર વંદના ડાન્સ એકેડમીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. સંસ્થાને વર્ષ 2024માં ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ અને વર્ષ 2025માં ઇન્ટરનેશનલ બુક ઑફ રેકોર્ડ્સ નો પ્રતિષ્ઠિત પુરસ્કાર પણ મળેલા છે. 2025માં ઇન્ટરનેશનલ બુક ઑફ રેકોર્ડ્સનો પુરસ્કાર મેળવ્યું છે. એકેડમીએ 2024માં માઇનસ 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં કેદારનાથ ખાતે કુચીપુડીનું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ, 2025માં માઇનસ 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સમુદ્ર સપાટીથી 12,670 ફૂટ ઊંચાઈ પર આવેલા તુંગનાથ મંદિરમાં પણ કુચીપુડી નૃત્ય કર્યું હતું. આ સંસ્થાએ તિરુપતિ, દ્વારકા, બદ્રીનાથ, કેદારનાથ, વૈષ્ણોદેવી અને શિરડી સહિત દેશના અનેક પ્રખ્યાત મંદિરોમાં પણ અદ્ભુત નૃત્ય પ્રસ્તુતિઓ આપી છે.