અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવી ગયા છે. પણ મહિનાઓ પહેલા કોરોનાની સંકટનો સમય દરેકને યાદ રહેશે. કોરોનાનાને લીધે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઉઠ્યો હતો કે ઘણાં મૃતકના સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતા હવે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયાર કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે, નહીં તેના પર ખરાઈ કરીને સર્ટિફિકેટ આપવામાં આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં કોરોનાને કારણે હજારો લોકોના મોત નિપજ્યા હતા. પણ મૃતકના ડેથ સર્ટીફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના દર્શાવવામાં આવ્યું નહતું. કારણ કે, કોરોનાના સંક્રમણનો ભોગ બનેલા લોકો ડાયાબિટિશ, હ્રદયરોગ, અને અન્ય બિમારીના ભોગ બન્યા હતા. અને અન્ય બિમારીઓ હોય તેમને મૃત્યુનું કારણ કોરોના દર્શાવવામાં આવ્યું નહતું. આથી વિવાદ ઊભો થયો હતો. હવે કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓના પરિવારજનોને મૃત્યુના કારણ સાથેનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમાં મહાનગરપાલિકા અને તે સિવાય જિલ્લા વિસ્તારમાં મૃત્યુ વિષયક ખાતરી સમિતિની આરોગ્ય વિભાગ દ્વારા રચના કરવામાં આવી છે. જેમના પરિવારના સભ્યનું કોરોનાથી મૃત્યુ થયું હોય પરંતુ સર્ટિફિકેટમાં તેનો ઉલ્લેખ ના થયો હોય તેઓ અરજી કરી શકશે. સર્ટિફિકેટ અંગે સુપ્રિમ કોર્ટ દ્વારા અગાઉ સૂચના આપવામાં આવી હતી. આમના મૃત્યુનું કારણ સર્ટિફિકેટમાં સ્પષ્ટ થાય તે સહિતની કાર્યપદ્ધતિ નક્કી કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આવામાં કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તૃત ઠરાવ જારી કરવામાં આવ્યો છે. જન્મ-મરણ નોંધણીના નિયમો પ્રમાણે મૃતકને મૃત્યુ વખતે જે તબીબે સારવાર કરેલી હોય તે તબીબ મૃત્યુનું કારણ જણાવી શકે છે. આવામાં મૃત્યુ હોસ્પિટલમાં થયું હોય તો ફોર્મ નંબર-4 અને એ સિવાયના કિસ્સામાં ફોર્મ નંબર 4-A પ્રમાણે રજિસ્ટ્રારને મરણની નોંધણી માટે મોકલવામાં આવે છે. વહીવટી તંત્રને જાણ કરવા માટે શહેરી વિસ્તારમાં વોર્ડ-ઝોન દીઠ સબ રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવેલી છે. તેમને અરજી કરવાની રહેશે. જેના માટે મહાનગરપાલિકા કે નગરપાલિકાએ તેમના નામ, હોદ્દા, કચેરીનું સ્થળ અને સંપર્કની વિગતો, કામકાજનો સમય વગેરે દર્શાવવાનું રહેશે. ( file photo)