1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં મચ્છરજન્ય કેસમાં ઘટાડો, ઝાડા-ઊલટી અને ટાઈફોડના દર્દીઓમાં વધારો
અમદાવાદમાં મચ્છરજન્ય કેસમાં ઘટાડો, ઝાડા-ઊલટી અને  ટાઈફોડના દર્દીઓમાં વધારો

અમદાવાદમાં મચ્છરજન્ય કેસમાં ઘટાડો, ઝાડા-ઊલટી અને ટાઈફોડના દર્દીઓમાં વધારો

0
Social Share

અમદાવાદઃ શહેરમાં બપોરે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડી એમ લોકોને બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સાથે જ શહેરમાં મચ્છરજન્ય રોગમાં ઘટોડો નોંધાયો છે. જો કે ડબલ સિઝનના કારણે વાયરલ ફીવર અને શરદી ઉધરસના કેસો પણ વધ્યા છે. ઉપરાંત ટાઈફોઈડ અને ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે. આમ બહારના ખાણીપીણીમાં ભેળસેળ અને દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગો વધ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા હતા. ખાસ કરીને ડેન્ગ્યુ સાથે કોલેરાના કેસો પણ પૂર્વ વિસ્તારમાં રામોલ-હાથીજણ, લાંભા અને વટવા વોર્ડમાં કેસ નોંધાયા હોવાનું મ્યુનિ.ના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વરસાદની સિઝન પુરી થયા બાદ મચ્છરજન્ય રોગોમાં હવે ઘટાડો જોવા મળ્યો છે. ડેન્ગ્યુના કેસો ઘટી ગયા છે. ચાલુ ઓક્ટોબર મહિનામાં 23 દિવસમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 270 જેટલા કેસો નોંધાયા છે અને મેલેરિયાના 47 કેસો નોંધાયા છે. ઝેરી મેલેરિયાના 9 અને ચિકનગુનિયાના 7 કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં ઝાડા- ઊલટીના 233 કેસો, ટાઇફોઇડના 274 અને કમળાના 101 કેસો હતા. જ્યારે કોલેરાના 07 કેસો નોંધાયા હતા છેલ્લા સપ્તાહમાં કોલેરાના કેસોમાં અચાનક જ વધારો થયો છે. બે અઠવાડિયામાં ડેન્ગ્યુના કારણે લાંભાના 26 વર્ષીય યુવકનું એલજી હોસ્પિટલમાં મોત થયું હતું.

એએમસીના હેલ્થ વિભાગના કહેવા મુજબ વરસાદી સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો વધે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ટ્રિગર ડ્રાઈવ અને અવેરનેસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, બાંધકામ સાઇટો, કોમર્શિયલ એકમો અને રહેણાંક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી જ્યાં પણ મચ્છરના બ્રિડિંગ મળી આવે છે, ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં રોગચાળો અટકાવવા માટે વિવિધ જગ્યાએ ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે જ્યાં પણ પ્રદૂષિત પાણી આવતું હોય ત્યાં ઇજનેર વિભાગને જાણ કરી અને કાર્યવાહી કરવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code