1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી: 4 માળની બિલ્ડિંગમાં આગ લાગતા 3 બાળકો સહિત 9 લોકોનાં મોત
દિલ્હી: 4 માળની બિલ્ડિંગમાં આગ લાગતા 3 બાળકો સહિત 9 લોકોનાં મોત

દિલ્હી: 4 માળની બિલ્ડિંગમાં આગ લાગતા 3 બાળકો સહિત 9 લોકોનાં મોત

0
Social Share

નવી દિલ્હી, 18 માર્ચ 2026: રાજધાની દિલ્હીનો પાલમ વિસ્તાર બુધવારે વહેલી સવારે મરણચીસો અને કાળા ધુમાડાથી ઘેરાઈ ગયો હતો. પાલમના સાધ નગરની ગલી નંબર-2માં આવેલી એક ચાર માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં 9 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે. સવારે 6:30 વાગ્યાની આસપાસ જ્યારે આગ લાગી ત્યારે બિલ્ડિંગની અંદર પરિવારના સભ્યો સૂઈ રહ્યા હતા. બહાર નીકળવાનો માત્ર એક જ રસ્તો હતો અને ત્યાં જ આગ લાગેલી હોવાથી લોકો અંદર ફસાઈ ગયા હતા અને રૂમમાં શ્વાસ રૂંધાવી દે તેવો ધુમાડો ભરાઈ ગયો હતો.

દુર્ઘટના સમયનું દ્રશ્ય કોઈ ડરામણી ફિલ્મથી કમ નહોતું. બાલ્કનીમાં ઊભેલા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા, પરંતુ આગ એટલી ભીષણ હતી કે અંદર ઘૂસવાની કોઈની હિંમત ચાલતી ન હતી. જ્યારે ધુમાડાના કારણે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો ત્યારે પિતાની સાહસનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું. રાજેન્દ્ર કશ્યપના પુત્ર પ્રવેશે પોતાની એક વર્ષની માસૂમ બાળકી અને એક નાના બાળકને આગથી બચાવવા માટે પહેલા માળેથી નીચે ફેંકી દીધા હતા. નીચે ઉભેલા લોકોએ મહામહેનતે બાળકોને ઝીલી લીધા હતા. આ દરમિયાન એક બાળકીના હાથમાં ફ્રેક્ચર થયું અને બીજું બાળક દાઝી ગયું, પરંતુ સદનસીબે તેમનો જીવ બચી ગયો. અન્ય એક બાળક નીચે પડતાં માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.

આ ઈમારત માર્કેટના પ્રધાન રાજેન્દ્ર કશ્યપની હતી. બિલ્ડિંગનું માળખું જાણે ‘ડેથ ટ્રેપ’ સમાન હતું. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં બ્યુટી પાર્લર, બંગડીઓ અને કોસ્મેટિકનો મોટો શોરૂમ હતો. કોસ્મેટિકનો સામાન જ્વલનશીલ હોવાથી આગ વીજળીની ઝડપે ફેલાઈ હતી. ઉપરના માળે પરિવારના લગભગ 15 સભ્યો રહેતા હતા.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આગ સવારે 6:45 કલાકે જોવા મળી હતી. લોકોનો આક્ષેપ છે કે દમકલની ગાડીઓ અડધો કલાક મોડી પહોંચી હતી અને હાઇડ્રોલિક મશીન ખોલવામાં પણ ઘણો સમય લાગ્યો હતો. સ્થાનિકોએ પાસેની બિલ્ડિંગની દિવાલ તોડીને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાઢ ધુમાડાના કારણે તેઓ અંદર પ્રવેશી શક્યા ન હતા. આખરે ફાયર બ્રિગેડની 30 ગાડીઓએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, હાઇડ્રોલિક મશીનથી લોકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેઓ બેભાન હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, મણિપાલ હોસ્પિટલમાં 8 લોકોને મૃત જાહેર કરાયા હતા. આ દૂર્ઘટનામાં પ્રવેશ (ઉ.વ. 33), કમલ (ઉ.વ. 39), આશુ (ઉ.વ. 35), હિંમાશી (ઉ.વ. 22), દીપીકા (ઉ.વ. 22) અને 3 બાળકીઓના મોત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત અનિલ (32 વર્ષ), સચિન (29 વર્ષ – 25% દાઝી ગયેલ) અને એક 2 વર્ષની બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચોઃ ઇ-કાર ચાર્જિંગ વખતે શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં મકાનમાં પણ પ્રસરી, 7ના મોત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code